મેંદરડાના દાત્રાણા નજીક છકડો અને કાર વચ્ચે અકસ્માત : એક મોત

છકડો રીક્ષા કારમાં ઘુસી ગઈ : બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા જૂનાગઢ સારવારમાં ખસેડાયા

જૂનાગઢ : મેંદરડાનાં દાત્રાણા ગામ નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જુનાગઢ તરફથી તાલાલા તરફ જતી કાર સાથે દાત્રાણા ગામ નજીક છકડો રીક્ષા અથડાતા આ જોરદાર અકસ્માતમાં રીક્ષા કારની અંદર ઘુસી જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં જ દાત્રાણાના ગ્રામજનો દોડી આવ્યા હતા અને પતરા ખેંચીને કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવેલ હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.