નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા નેશનલ સિમ્પોઝીયમ યોજાયો

કલાઈમેંટ ચેન્જ તથા ગ્લોબલ વોર્મિંગ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે : ડૉ. ચંદ્ર ભુષણ

સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રોના ૧૧ એક્સપર્ટ સ્પીકર્સ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાયું

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી કુલ ૩૫૦ પ્રોફેસર્સ, સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ તથા સામાજીક કાર્યકરો જોડાયા

જૂનાગઢ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કલાઈમેંટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન લેયરમાં ગાબડું, વાતાવરણનું ઋતુચક્ર ખોરવાઈ જવું, કુદરતી આફતો, એસિડ વર્ષા સહિતની પર્યાવરણીય સમસ્યાઓ જોવા મળી રહી છે. વિવિધ સમસ્યાઓ સંદર્ભે વિચારમંથન કરવા તથા તેના ઉકેલની દિશામાં આગળ વધવાના હેતુથી જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા ‘ઇન્ટરડીસીપ્લીનરી ડીસ્કોર્ષ ઓન કલાઇમેટ ચેન્જ’ વિષય ઉપર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ઈ-સિમ્પોઝીયમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી કુલ ૩૫૦ પ્રોફેસર્સ, સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ તથા સામાજીક કાર્યકરો જોડાયા

રાષ્ટ્રીય કક્ષાના ઈ-સિમ્પોઝીયમના ઉદ્ઘાટન સમારંભમાં ઇન્ટરનેશનલ ફોરમ ફોર એન્વાર્યન્મેન્ટ, સસ્ટેઈનેબિલિટી એન્ડ ટેકનોલોજી(IFOREST) ન્યુ દિલ્હીના પ્રમુખ અને સીઈઓ ડૉ.ચંદ્ર ભુષણે જણાવ્યું હતું કે આજના સમયમાં કલાઇમેટ ચેન્જ તથા ગ્લોબલ વોર્મિંગ એ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. તેઓએ ટેક્નિકલ તથા સોશ્યલ ટ્રાન્ઝીશન, એનર્જી કન્ઝેનશન, ઝીરો કાર્બન બેટરીના ઉપયોગને કારણે આવતા ૧૦ વર્ષોની અજીબ દુનિયા, કોલસાનો નિયંત્રિત ઉપયોગ વિગેરે વિશે વિસ્તૃત સમાજ આપી હતી. ઇન્ડિયન સોશ્યોલોજીકલ સોસાયટીના પ્રમુખ તથા જમ્મુ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.આભા ચૌહાણે કહ્યું હતું કે જંગલ સંપતિનો નાશ તથા વસ્તી વધારો પણ પ્રદૂષણમાં વધારો કરે છે. તેઓએ કુદરતી આફતો, વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનો તફાવત, પ્રદૂષણ મુક્ત બળતણનો ઉપયોગ વિગેરે વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

ઉદ્ઘાટન સમારંભમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અત્યારે આપણે પર્યાવરણ બચાવીશું તો જ ભાવિ પેઢીને સુરક્ષિત રાખી શકીશું. હાલમાં ક્લોરોફ્લોરો કાર્બન, કાર્બન ડાયોક્સાઈડ, મિથેન જેવા ઝેરી વાયુઓ ઓઝોન પડને ખૂબ નુકસાન કરતા હોવાનું કુલપતિએ જણાવ્યું હતું. ઈ-વેસ્ટ મેનેજમેન્ટને પણ જરૂરી ગણાવ્યું હતું. સિમ્પોઝીયમના દિવસે જ ગઈકાલે માતૃભાષા દિવસ પણ હોવાથી ગુજરાતના ખ્યાતનામ કવિ અને ગાયક અનિલ વંકાણી પણ ઉદ્ઘાટન સમારંભમાં ઓનલાઈન જોડાયા હતાં અને ગુજરાતની લોકસંસ્કૃતિને ઉજાગર કરી હતી.

દિવસ દરમ્યાન અલગ-અલગ ચાર સેશનમાં પ્રો.આર. ઈન્દ્રા, પ્રો.હેમીક્ષાબેન રાવ, ડૉ.નીતિન લાભસેતવર, ડૉ.બી. અંજન કુમાર પૃષ્ટી, પ્રો.મનિષ વર્મા, પ્રો.દિવાકરસિંહ રાજપુત, ડૉ.ગૌરાંગ રામી, ડૉ.દેવનાથ પાઠક, ડૉ.સૌરભ આનંદ સહિતના કુલ ૧૧ એક્સપર્ટ સ્પીકર્સ તથા પ્રોફેસર્સ, સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને સામાજીક કાર્યકરો થઈને કુલ ૩૫૦ લોકો વિવિધ રાજ્યોમાંથી ઓનલાઈન જોડાયા હતાં.

આ કાર્યક્રમની શરૂઆતમાં સિમ્પોઝીયમના કન્વીનર અને સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ.પરાગ દેવાણીએ કરી હતી. સિમ્પોઝીયમ વિશેની માહિતી ડૉ.ઋષિરાજ ઉપાધ્યાયે આપી હતી. ટેક્નિકલ સપોર્ટ કપિલ મકવાણા તથા પાર્થ જેઠવાએ પૂરો પાડ્યો હતો.