પારિવારિક કજિયો પોલીસ મથકે પહોંચ્યો : મારામારીની સામસામી ફરિયાદ

કેશોદના એકલેરા ગામે થયેલી મારામારીના બનાવ અંગે એક જ પરિવારના સદસ્યોએ સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદના એકલેરા ગામે એક જ પરિવારમાં કોઈ બાબતે ડખ્ખો થયા બાદ ગાળો રમઝટ બોલતા બઘડાટી બોલી ગઈ હતી. આથી આ પારિવારિક કજિયો પોલીસ મથકે પહોંચ્યો હતો. બે પરિવાર વચ્ચે થયેલી મારામારી બાદ બન્ને પક્ષે હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વ્રજલાલભાઇ હાજાભાઇ સોદરવા (ઉ.વ ૬૦ રહે. એકલેરા તા.કેશોદ) એ આરોપીઓ મહેશભાઇ લાખાભાઇ સોદરવા, ગીતાબેન મહેશભાઇ સોદરવા (રહે.બન્ને એકલેરા તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓ ગાળો દેતા હોય જેથી ગાળો દેવાની ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી તેમજ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે મહેન્દ્રભાઇ લાખાભાઇ સોદરવા (ઉ.વ ૪૬ રહે.એકલેરા તા.કેશોદ) આરોપીઓ વ્રજલાલભાઇ હાજાભાઇ સોદરવા, લાભુબેન હાજાભાઇ સોદરવા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓ ગાળો દેતા હોય જેથી ગાળો દેવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.