ભાગી ગયેલા પ્રેમીયુગલને શોધી આપવાનું કહી યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો

બાંટવાના વેકરી ગામે યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારના બે વ્યક્તિનું અપહરણ કરી માર માંર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : બાંટવાના વેકરી ગામે પ્રેમી યુગલ નાસી ગયા બાદ યુવતીના પરિવારજનોએ બખેડો કર્યો હતો. જેમાં ભાગી ગયેલા પ્રેમીયુગલને શોધી આપવાનું કહી યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો હતો અને યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારના બે વ્યક્તિનું અપહરણ કરી માર માંર્યાની ફરિયાદ નોંધાઈ છે.

બાંટવા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ પરમાર (ઉ.વ.૫૮ રહે.ભોદ તા.રાણાવાવ જી.પોરબંદર) એ આરોપીઓ જીવણભાઇ ગઢવી (રહે.ગોલણ શેરડી જી.જામનગર) તથા તેની સાથે અજાણ્યા પાંચ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનો દીકરો સંજય તથા આ આરોપી જીવણ ગઢવીની કુટુબી ભત્રીજી બન્ને સાથે કયાંક જતા રહેલ હોય જેનુ મનદુખ રાખી છ આરોપીઓ બે ફોરવ્હીલમા ફરીયાદી તથા સાહેદ વિજયાબેન વેકરી ગામે સાહેદના ઘરે આવેલ હોય જયાં આવી ફરીયાદી તથા સાહેદ વીજયાબેનને આ છોકરા-છોકરીને શોધી દેવાનુ કહી ગાળો કાઢી તેની જ્ઞાતીપ્રત્યે અપમાનીત કરી ઢીકાપાટુનો મારમારી ફરીયાદી તથા સાહેદ વીજયાબેનને અલગ અલગ ફોરવ્હીલમા બળજબરીથી બેસાડી અપહરણ કરી માળી ગામે વાડીએ લઇ જઇ ત્યાં પણ ફરીયાદી તથા સાહેદને ધોકા વડે તથા ઢીકાપાટુથી માર મારી ફરીયાદી તથા સાહેદને આખી રાત વાડીએ રાખી છોકરા-છોકરીને શોધી આપવા દબાણ કરી અને નહી મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી વાડીએથી છોડી દીધા હતા. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.