જૂનાગઢના કાથરોટા ગામની યાત્રીની નાની ઉંમરે મોટી સિદ્ધિ : આખી રામાયણ કંઠસ્થ કરી

મોબાઈલની દુનિયામાં રચ્યા – પચ્યા રહેતા બાળકોથી અલગ હટી ભક્તિના રંગે રંગાઈ

જૂનાગઢ : આજના સમયમાં બાળકોને સૌથી વધુ મોબાઈલનું લાગતું હોય છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ ઓનલાઇન શિક્ષણના પ્રભાવ તળે નાના ગામડાથી લઈ મોટા શહેરો સુધી તમામ બાળકો છૂટથી મોબાઈલ વાપરતા થતા રીતસર મોબાઈલ એડિક્ટ થયા છે ત્યારે આ બધાથી જરા હટકે જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામની ધોરણ-9માં ભણતી યાત્રી ઝાલા નામની બાળકીએ આખી રામાયણ કંઠસ્થ કરી સૌ ને અચંબિત કર્યા છે.

જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામની યાત્રીએ નાની ઉંમરે રામાયણ કંઠસ્થ કરી છે.જૂનાગઢ અપડેટ દ્વારા અનન્ય સિદ્ધિ બદલ યાત્રીની મુલાકાત લેતા નાની ઉંમરમાં ભક્તિરસમાં તરબોળ થયેલી યાત્રીએ ગૌરવભેર જણાવ્યું કે, આ પ્રેરણા તેને તેમના દાદા પાસેથી મળેલ છે. યાત્રીને રામાયણના દરેક પાત્ર પ્રત્યે નાનપણથી લગાવ છે. ખાસ તો હનુમાનજીનું પાત્ર તેણીને અતિ પ્રિય છે.

નવમા ધોરણમાં ભણતી યાત્રી અભ્યાસમાં પણ તેજ તર્રાર છે. યાત્રી નાની ઉંમરે મોટી અપીલ કરતા કહે છે કે, દરેક બાળકોએ રામાયણ સહીતના અન્ય ધાર્મિક ગ્રંથોનું નાનપણ માં જ વાંચન કરવું જોઈએ,આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા ઇતિહાસ સાથે જોડાવું આવશ્યક હોવાનું ઉમેરી વાંચનના કારણે અભ્યાસમાં પણ એકગ્રતા આવતી હોવાનું ઉમેર્યું હતું.

આમ પણ સોરઠને આધ્યાત્મિક ભૂમિ માનવામાં આવે છે. આ ભૂમિનો કેવો પ્રભાવ તેનું જીવંત ઉદાહરણ યાત્રી ઝાલા છે. સોરઠ પ્રદેશ હર કોઈને ભક્તિનો રંગ લગાડવા સમર્થ છે. મહત્વની વાત એ કે જો યાત્રીની જેમ દરેક બાળક સ્પાઇડરમેનને અને સુપરમેનને બદલે બુદ્ધિ મતામ વરિષ્ઠમ એવા હનુમાનજીને પોતાના આદર્શ માનવાનું શરૂ કરી દે તો ભાવિ પેઢીનું ભવિષ્ય અતિ ઉજળું બને એમાં કોઈ શંકા ને સ્થાન નથી.