લિવ ઇનમાં રહેતી યુવતીનું જીવતર ઝેર કરનાર માથાભારે યુવાનને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

જૂનાગઢમાં યુવતીએ મૈત્રીકરાર કર્યા બાદ ક્યાદેસર લગ્નનું કહેતી તો યુવાન અને તેના કુટુંબીઓ અસહ્ય ત્રાસ આપતા, યુવતીએ મદદ માંગતા જ જુનાગઢ પોલીસે હરફતમાં આવી યુવાનને સીધોદોર કરીને યુવતીના જીવનનો માર્ગ મોકળો કરી આપ્યો

જૂનાગઢ : જૂનાગઢમાં એક યુવતીએ માથાભારે ભાઈ તરીકે છાપ ધરાવતા યુવાન સાથે અગાઉ મૈત્રીકરાર કર્યા બાદ આ શખ્સે યુવતીનું જીવતર ઝેર કરી નાખ્યું હતું. જેમાં યુવતી જ્યારે જ્યારે કાયદેસર લગ્ન કરવાનું કહેતી ત્યારે યુવાન અને તેમના પરિવારજનો યુવતીને અસહ્ય ત્રાસ આપીને જુલમો સિતમ ગુજારાતા એક તબબકે તો યુવતી જિંદગી હારી જઈને આપઘાત કરવાનું પણ વિચાર્યું હતું. પરંતુ તેની માતાએ હિંમત આપી પોલીસ પાસે લઈ જઈને આપવીતી રજૂ કરતા પોલીસે તુરંત જ એક્શનમાં આવી યુવાનને બરોબરનો સીધોદોર કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે રહેતા અને લોકોને પેઇંગ ગેસ્ટ તરીકે રસોઈ કામ કરીને જમાડતા એક મહિલા પોતાની યુવાન દીકરી સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળીને રજુઆત કરી હતી કે, પોતાના પતિ નહીં હોય, પોતે પોતાના એક દીકરા અને દીકરી સાથે જીવન ગુજરાન ચલાવતા હોઈ, પોતાની દીકરીએ એકાદ વર્ષ પહેલા જોશીપુરા ખાતે રહેતા એક યુવાન સાથે લવ મેરેજ કરી, લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. થોડા સમય બાદ મહિલાની પુત્રીએ યુવાનને કાયદેસર લગ્ન કરી લેવાનું કહેતા, યુવાન અને તેના કુટુબીજનો તરફથી ત્રાસ અને મારકુટ ચાલુ થયેલ હતી. બાદમાં જ્યારે જ્યારે કાયદેસર લગ્ન કરવાની વાત કરે ત્યારે મારકુટ કરીને, મહિલાની દીકરીને જિંદગી બગાડી નાખવાની અને આમ જ સાથે રાખવાની ધમકીઓ આપતા, દિકરીથી ત્રાસ સહન ના થતા, પોતાની માતાની ઘરે આવી ગયેલ અને તેમ છતાં, મહિલાના ઘરે આ માથાભારે ભાઈની છાપ ધરાવતા યુવાન અને તેના મિત્રો આવી, ધમકીઓ આપી, મારકુટ કરવા લાગતા, મહિલા અને તેની પુત્રીથી અસહ્ય ત્રાસ સહન ના થતા, આપઘાતના વિચાર આવતા હોઈ, આ માથાભારે યુવાનના ત્રાસમાંથી છોડાવવા મદદ કરવા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ She Team ના હે.કો. ધાનીબેન, રસિલાબેન, મિતલબેન, ખુશ્બુબેન, મુકેશભાઈ, વનરાજસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા માથાભારે યુવાનને પોલીસ સ્ટેશન બોલાવી, પોલીસની ભાષામાં શાનમાં સમજાવી દેતા, મહિલાની પુત્રીની તમામ વસ્તુઓ પરત આપી દીધી હતી, લિવ ઇન રિલેશનશિપ કેન્સલ કરી, હવે પોતાને કોઈ લેવા દેવા નહિ હોવાનું લખાણ કરી આપી, હવેથી કોઈ દિવસ મહિલા કે તેની પુત્રીને હેરાન નહીં કરવાની ખાતરી આપતા, મહિલાના આખા ઘરનો જીવનનો માર્ગ મોકળો થયેલ હતો. સામાન્ય રસોઈ કામ કરી, પોતાનું જીવન ગુજરાન ચલાવતી મહિલા અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને પોતાની દીકરીનું ધ્યાન રાખવા અને દીકરીને પણ પોતાની માતા કહે ત્યાં જ લગ્ન કરવા પોતાની જાતે કોઈ નિર્ણય નહિ લેવા સલાહ પણ આપવામાં આવેલ હતી.