લીલીઝંડી મળતા જ ગિરનાર સર કરવા 449 સ્પર્ધકોએ લગાવી દોટ

11 રાજ્યનાં 449 સ્પર્ધકો વહેલી સવારે ઉત્સાહભેર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોડાયા

જૂનાગઢ : કઠિન ગણાતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આજે વહેલી સવારે દેશના અલગ – અલગ 11 રાજ્યોમાંથી આવેલા 449 સ્પર્ધકોએ દોટ લગાવી હતી.

રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જેમાં દેશના 11 રાજ્યોનાં 449 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજે વહેલી સવારે સ્પર્ધાના પ્રારંભે રાજયમંત્રી દેવાભાઈ માલમે સ્પર્ધકોને લીલીઝંડી આપી હતી. આ તકે મેયર ગીતાબેન પરમાર, એથ્લેટીક પ્લેયર સરિતા ગાયકવાડ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો.

સિનીયર-જુનિયર ભાઇઓ અને બહેનો એમ કુલ 4 કેટેગરીમાં યોજાયેલ આ સ્પર્ધામાં સિનીયર ભાઇઓમાં 194 અને જુનિયર ભાઇઓમાં 95 મળી કુલ 289, તેમજ સિનીયર બહેનોમાં 85 અને જુનિયર બહેનોમાં 75 મળી કુલ 160 સ્પર્ધકો નોંધાયા છે. દર વખતની જેમ આ વખતે પણ દરેક સ્પર્ધકના ટીશર્ટમાં એક ઇલેક્ટ્રિક ચીપ લગાવાઇ છે. જેના થકી તેનું લોકેશન અને ટાઇમીંગ નક્કી થશે. ડીવાઇસનું મોનીટરીંગ ભવનાથ ખાતેથી કરવામાં આવી રહ્યું છે અને બપોર સુધીમાં સ્પર્ધા પૂર્ણ થશે.