મોબાઈલ પકડીને કાર્યવાહી કરશો તો અમે માર મર્યાની ખોટી ફરિયાદ કરીશું કહીને બે કેદીઓ હલ્લો મચાવ્યો

જૂનાગઢ જેલમાં ચેકિંગ દરમિયાન બે કેદીઓએ મોબાઈલ શોચાલયમાં ફેંકી દઈ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપી ખોટી રીતે બ્લેકમેઇલ કરી ધંધે લગાડ્યા, બન્ને કેદીઓ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢની જેલ જાણે મોબાઈલ શોપ હોય એમ વારંવાર મોબાઈલ મળી આવતા હોવાથી આ જેલ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. દરમિયાન જેલના સ્ટાફે જેલના બેરેકની ઝડતી લેતા મોબાઈલ મળી જાય તો પોતાના ગોરખધંધા સામે આવશે તેવી બીકે બે કેદીઓએ મોબાઈલ શોચાલયમાં ફેંકી દઈ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપી ખોટી રીતે બ્લેકમેઇલ કરી ધંધે લગાડ્યા હતા. જો કે બન્ને કેદીઓએ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને ખોટી ફરિયાદની બીક બતાવીને જેલને બાનમાં લઈ રીતસર હલ્લો મચાવ્યો હતો અંતે શોચાલયમાંથી મોબાઈલ મળતા આ અંગે બન્ને સામે ગુન્હો નોંધાયો છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી આ બનાવની વિગતો મુજબ જુનાગઢ જેલના જેલર ગૃપ ૦૨ના હરીશભાઈ કાંતિભાઇએ સરકાર તરફે ફરિયાદી બની જેલમાં રહેલા કેદીઓ મહમદ ઉર્ફે મમલો ઇબ્રાહિમભાઇ કુરેશી અને કાચા આરોપી ઇકબાલ ઇસાક પિરજાદા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૮ના રોજ જેલ બંધી બાદ જેલ સ્ટાફના સુબેદાર સુરુભા બી.જેઠવા તથા હેમરાજભાઇ વી.પરમારે જેલની બેરેકનં-૪ નો દરવાજો ઝડતી માટે ખોલવા જતા અંદર રહેલ કાચા આરોપી મહમદ ઉર્ફે મમલો ઇબ્રાહિમભાઇ કુરેશી જોઇ જતા દોડીને બેરેકના અંદરના સંડાસમા દોડી ગયેલ અને આરોપી મહમદ ઉર્ફે મમલો ઈબ્રાહીમ કુરેશી પાસે રહેલ મોબાઇલ સંડાસના બોખરામાં નાખી દિધેલ હતો

જેલ સ્ટાફે સંડાસના બોખરામાંથી તાત્કાલીક તપાસ કરતા એક સેમસંગ કંપનીનો સોનેરી કલરનો સાદો કિપેડ મોબાઇલ-૧ તથા સિમકાર્ડ-૧ તથા બેટરી-૧ મળેલ અને બેરેકની ઝડતી સમયે આરોપીઓ બોલ-બોલ કરીને ઝડતી સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓને ધમકી આપતા હોય અને કહેતા હતા કે જો તમે મારી પાસેથી મોબાઇલ પકડશો અને ફરીયાદ કરશો તો હું તથા મારા સાથીઓ મળીને એકબીજાના શરીર પર અમારી મેળે ઇજા પહોંચાડી સીવીલ હોસ્પિટલમાં દાખલ થઇ તમે લોકોએ અમને માર્યા છે તેવી તમારા વિરુધ્ધ ખોટી ફરીયાદ દાખલ કરાવીશુ અને ઝડતી કરતા સ્ટાફ તથા અધિકારીઓને ઝડતી ન કરવા દેવા માટે જેલની સુલેહ શાંતિનો ભંગ કરવા ખોટી ફરીયાદ દાખલ કરાવવાની ધમકી આપતા હોય અને ખોટી ફરીયાદ દાખલ કરાવવાની ધમકી આપી અન્ય કેદીઓમાં પોતાનો રોફ જમાવી જેલ સત્તાવાળાઓને ખોટી ફરીયાદ દાખલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી જેલ તંત્રને બાનમાં લેવાની કોશીશ કરી જેલ સ્ત્તાવાળાઓને પોતાની કાયદેસરની ફરજ બજાવતા અટકાવવાની કોશિશ કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.