જૂનાગઢમાં કોરોના ધીમો પડતા નિયંત્રણો હળવા કરાયા

જૂનાગઢ કલેકટરે કોરોના સંદર્ભે જાહેરનામુ બહાર પાડી દિશા નિર્દેશો જાહેર કર્યા

ખુલ્લા સ્થળોમાં ક્ષમતાના મહતમ ૭૫ ટકા પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા વ્યકિતઓ એકત્ર થઈ શકશે

જૂનાગઢ: જૂનાગઢમાં કોરોના ધીમો પડતા નિયત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેમાં કલેકટર દ્વારા કોરોના સંદર્ભે જાહેરનામુ બહાર પાડી દિશા નિર્દેશો જાહેર કરાયા છે. કોરોના વાઈરસના કેસમાં છેલ્લા થોડા દિવસથી ઘટાડો થઈ રહયો છે. ત્યારે આ વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજે આગામી તા. ૨૫ ફેબુ્આરી સવારના ૫ કલાક સુધી નીચે મુજબના આદેશો, નિયંત્રણો જારી કર્યા છે.

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક(લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃતિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫ ટકા વ્યક્તિઓ જ્યારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાનાં મહત્તમ ૫૦ ટકા મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે Digital Gujarat Portal પર નોંધણી કરાવવાની રહેશે નહીં, તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ દિશા નિર્દેશ મુજબ નીચે મુજબ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં જાહેર સ્થળો, કામના સ્થળે અને વાહનમાં ફેસ કવર કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

જાહેર સ્થળોએ ઓછામાં ઓછા ૬ ફુટનું અંતર જાળવવા, દુકાનો પર ગ્રાહકો એ અંતર જાળવવાનું રહેશે. અને જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામાના ભંગ બદલ The Epidemic Diseases Act 1897 અન્વયે The Gujarat Epidemic Diseases COVID-19 Regulation,2020 ની જોગવાઈઓ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Act ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની વ્યક્તિગત બજવણી શક્ય ન હોય એક તરફી બહાર પાડવામાં આવે છે. આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે