ભારે કરી ! જૂનાગઢ મહાનગર પાલિકાના કચરાના વાહનો વીમા વગરના

કમિશનરે જવાબ ન આપતા શાસક પક્ષ ભાજપના નગરસેવકે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી : એજન્સીના ડ્રાઈવરો પાસે લાયસન્સ જ ન હોવાની ચોંકાવનારી ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકા વિસ્તારમાં ડોર – ટુ – ડોર કચરો એકત્રિત કરવાનું કામ કરતી એજન્સી સામે ખુદ શાસકપક્ષના નગરસેવકે વાંધો ઉઠાવી એજન્સીએ મહાનગરપાલિકાના વાહનો કન્ડમ કરી નાખી હાલમાં વીમા વગરના વાહન ચલાવવામાં આવી રહ્યા હોવાનું અને એ પણ લાયસન્સ વગરના ડ્રાઈવરો દ્વારા ! આ ગંભીર મામલે મ્યુનિસિપલ કમિશનરે નગરસેવકની ફરિયાદ ધ્યાને ન લેતા મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર -1ના ભાજપના નગરસેવક અશોકભાઈ ચાવડાએ મહાનગરપાલિકામાં ચાલતી લાલીયાવાડી મામલે કમિશનર ધ્યાન આપતા ન હોવાથી મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, હાલમાં મહાનગર પાલિકામાં જે એજન્સીને ઘેર-ઘેર કચરો એકત્ર કરવા કોન્ટ્રાકટ અપાયો છે તેમના લાયસન્સ વગરના ડ્રાઈવરોએ વાહનની પથારી ફેરવી નાખી વાહનને કંડમ કરી નાખ્યા છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે કચરાના કોન્ટ્રાકટર દ્વારા વાહનની પથારી ફેરવી દેવાની સાથે મોટા ભાગના વાહનોના વીમા પણ ઉતારવામાં આવ્યા ન હોવાથી અકસ્માતની ઘટનામાં મહાપાલિકાને નુકશાન જવાનો ભય વ્યક્ત કરી કમિશનર દ્વારા એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.
આમ, જૂનાગઢ મહાપાલિકામાં શાસકપક્ષનું જ વજન ઘટ્યું હોવાની છાપ ઉપસી છે.