જૂનાગઢમાં રઝળતા ઢોરનો ત્રાસ બેકાબુ, આખલાએ ઢીકે ચડાવી વૃદ્ધને પરલોક પહોંચાડ્યા

માણાવદરના પીપલાણા ગામેં આખલાએ વૃદ્ધનો ભોગ લેતા તંત્ર સામે આક્રોશ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં રઝળતા ઢોરનો ત્રાસ બેકાબુ બન્યો હોવાની પ્રતીતિ કરાવતી ઘટના સામે આવી છે. જેમાં માણાવદરના પીપલાણા ગામેં આખલાએ રીતસર યમદૂત બનીને ઢીકે ચડાવી વૃદ્ધને પરલોક પહોંચાડી દીધા હતા. આખલાએ વૃદ્ધનો ભોગ લેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ વ્યાપી ગયો છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હંસરાજ માવાભાઇ ચાવડા (ઉ.વ.૮૦ રહે.પીપલાણા ગામ તા.માણાવદર) નામના વૃદ્ધ ગત તા.૧૬ જાન્યુઆરીના રોજ પીપલાણા ગામમા આવેલ તેના ધરે જતા હોય તે વખતે ધર પાસે પહોચતા આંખલા (હાંઢડો)એ ઢીક (ભેંટુ) મારતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આથી આ વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ જુનાગઢની સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ગત તા.૨૪ જાન્યુઆરીના રોજ તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જો કે જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે. વારંવાર આખલા યુદ્ધના બનાવો સામાન્ય થઈ ગયા છે. છતાં ઢોરનો ત્રાસ યથાવત રહેતા હવે આખલાએ વૃદ્ધનો ભોગ લેતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.