અંતે જૂનાગઢની જેલમાં બર્થ ડે પાર્ટી કરનાર સાત કેદીઓ સામે ગુન્હો દાખલ

બર્થ ડે પાર્ટીનો મામલો ગરમ બનતા 8 દિવસ બાદ જેલતંત્ર જાગ્યું, જેલર ગ્રુપ-2 દ્વારા પ્રિઝન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઈ

જૂનાગઢ : જૂનાગઢની જેલમાં અમુક કેદીઓ દ્વારા પોતાના ઘરની ધોરાજી ચલાવી જાણે પોતાનું ઘર કે ફાર્મહાઉસ હોય તેમ જેલમાં બર્થ ડે પાર્ટી ઉજવતા હોવાનો તાજેતરમાં વીડિયો વાયરલ થતા ભારે હોબાળો મચી ગયો હતો. જૂનાગઢમાં જેલમાં બર્થ ડે પાર્ટીના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. આથી આ બનાવના 8 દિવસ બાદ જેલતંત્ર જાગ્યું છે. અને જેલર ગ્રુપ-2 દ્વારા પ્રિઝન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે જેલમાં બર્થ ડે પાર્ટી કરનાર સાત કેદીઓ સામે ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લા જેલના જેલર ગૃપ-૦૨ના હરીશભાઈ કાંતિભાઇ પટેલએ સરકાર તરફથી ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯ ના રોજ ન્યુઝ ચેનલો અને અખબારો દ્વારા પ્રસિદ્ધિ થયેલા સમાચાર મુજબ જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓ દ્વારા બર્થ-ડે કેક કાપવા તથા કેદીઓ દ્રારા ફટાકડા ફોડવા અંગેનો કથિત વિડીયો વાઈરલ થયો હતો. જે બંને વિડીયોમાં જે જે કાચા કામના આરોપીઓની સીધી સંડોવણી સાબીત થાય તેવા કેદીઓના નામ તથા તેઓની આ વિડીયોમાં શું ભુમીકા રહેલ છે? તે અંગે તપાસ કરતા પ્રથમ વાઈરલ વિડીયો કે, જેમાં કાચા કામના કેદી નામે યુવરાજભાઈ પ્રતાપભાઈ માંજરીયા બર્થ-ડે કેક કાપતા સ્પષ્ટ જણાય છે, જયારે માંજરીયાની પાછળ અત્રેની જેલના કાચા કામના આરોપીઓ નામે કિશોરભાઈ ખાચર, વિજયભાઈ કનકરાય ટાંક, રૂખડભાઈ ભોજાભાઈ ખાંભલ, યુસુફશા અલ્લારખા બનવા તથા અનુપમ હલ્ડર સન ઓફ અમલ હલ્ડર જોવા મળી રહેલ છે.

મુખ્ય આરોપી નામે યુવરાજભાઈ પ્રતાપભાઈ માંજરીયાએ કે, જેઓ ઘણા સમયથી જેલમાં હોઈ અને જેલના નિયમ નિયમોથી વાકેફ હોવા છતાં જેલમાં રહેલ અન્ય કેદીઓ માં પોતાની આગવી છાપ અને ધાક ઉભી થાય તેમજ અન્ય કેદીઓમાં પોતાનો આગવો ડર ઉભો કરવાના ગંભીર ઈરાદાથી જેલના નિયમોને નેવે મુકી જેલમાં છડેચોક બર્થ-ડે કેક કાપી રહયા છે.જયારે માંજરીયા કેક કાપી રહયા છે. ત્યારે તેઓની પાછળના ભાગે રહેલ જણાવેલ તમામ કાચા આરોપીઓ કે, જેઓ કાં તો લાંબા સમયથી જેલમાં છે અથવા અવાર-નવાર જેલમાં આવેલ હોઈ જેલના તમામ નિતી નિયમોથી અવગત હોવા છતાં કાચા આરોપી માંજરીયા બર્થ -ડે કેક કાપી રહ્યા છે તેને સમર્થન આપી રહ્યા છે અથવા તેઓ પણ માંજરીયાની જેમ જેલમાં રહેલ અન્ય કેદીઓમાં પોતાની આગવી છાપ અને ધાક ઉભી થાય તેમજ અન્ય કેદીઓમાં પોતાનો આગવો ડર ઉભો કરી જેલમાં પોતાની આગવી ટોળકી ઉભી કરી જેલના શાંતી પુર્ણ માહોલને તેમજ જેલની શિસ્ત અને સલામતીમાં વિક્ષેપ ઉભો કરી જેલતંત્રને બાનમાં લેવાના પ્રયત્નો કરતા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહયું છે.

એક સમાચારની એપ્લીકેશનમાં મુકવામાં આવેલ આ વાઇરલ વિડીયોમાં સોશીયલ મિડીયા(ઇન્સ્ટાગ્રામ) ના એકાઉન્ટ નામ yogesh_boricha_1 એકાઉન્ટ વાળાનાઓએ @_yu varaj_manjariya_1 ને ટેગ કરીને તથા rushi_bhudev તથા c.k._jadeja_1 નામના સોશીયલ મિડીયા એકાઉન્ટ ધરાવતા વ્યકતિઓએ જેલમાં રહેલ સદર આરોપી યુવરાજ માંજરીયાનાઓના બર્થ-ડે ઉજવણીના વિડીયો સોશીયલ મિડીયાના માધ્યમથી વાઇરલ કરેલ અને જેલમાં રહેલ સદર આરોપી માંજરીયા નાઓને જેલની શિસ્ત અને સલામતી જોખમમાં મુકવા મદદગારી કરેલ જણાઇ આવે છે.

બીજો વાઇરલ થયેલ વિડીયો કે, જેમાં કાચા કામના કેદી નામે યુવરાજભાઈ પ્રતાપભાઈ માંજરીયા તથા અન્ય કાચા કામના આરોપી નામે લખનભાઈ મેરૂભાઈ ચાવડા કે, જેઓ ફટાકડા ફોડી રહેલ છે, તેવું સ્પષ્ટપણે દેખાય છે, ઉકત જણાવેલ કાચા આરોપી માંજરીયા હાલ અત્રેની જુનાગઢ જિલ્લા જેલમાં છે અને જેઓ ઘણા સમયથી જેલમાં હોઈ અને જેલના નિતી નિયમોથી વાકેફ હોવા છતાં જેલમાં ફટાકડા ફોડી જેલ તંત્રને બાનમાં લઈ પોતાની મનમાની કરવા અ ને જેલ સ્ટાફમાં પોતાની ધાક ઉભી કરવા માંગતા હોય તેમ મનસ્વી રીતે કૃત્ય કરી જેલના નિયમોને નેવે મુકી પોતાનો ડર ઉભો થાય તેવો માહોલ ઉભો કરતા હોય તેમ લાગે છે.

જયારે માંજરીયા સાથે અન્ય કાચા કામના આરોપી કે, જેઓ પ્રોહિબિશનના ગુન્હામાં તા.૨૪/૦૯/૨૦૨૧ ના રોજ જુનાગઢ જીલ્લા જેલ ખાતે કાચા કામના આરોપી તરીકે દાખલ થયેલ, જે આરોપીને નામ. કોર્ટના હુકમ મુજબ તા.૨૨/૧૨/૨૦૨૧ ના રોજ મીન થતા જેલ મુક્ત કરવામાં આવેલ છે, પરંતુ આ કાચા કામના આરોપી પણ અગાઉ જેલમાં રહી ચુકેલ છે અને જેલ ના નિયમોથી સંપુર્ણપણે વાકેફ હોવા છતાં માંજરીયાને સાથ સહકાર આપી ફટાકડા ફોડી રહેલ છે અને બંને કેદીઓ દ્રારા જેલમાં પોતાનો દુષ્પ્રભાવ ઉભો કરી જેલની શિસ્ત અને સલામતીનું હનન કરી રહયા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતું હોઈ, તેમજ જેલ પ્રતિબંધીત વિસ્તાર હોવા છતાં જેલમાં જેલ પ્રતિબંધીત ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરવા બદલ ઉકત વિગતે જણાવેલ તમામ કાચા કામના આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો કલમ- ૧૮૮,૧૧૪ તથા પ્રિઝન એકટ-૧૮૯૪ કલમ ૪૨,૪૩, ૪૫ (૧૨) મુજબ તથા તેઓની સાથે મદદગારી કરેલ ઉપરોક્ત સોશીયલ મિડીયાના એકાઉન્ટ ધરાવનાર વ્યકિતઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.