જૂનાગઢમાં વેસ્ટર્ન જવેલ મોલના ગેરકાયદે બાંધકામ મામલે જમીન માલિક મોટી હવેલીએ ધોકો પછાડ્યો

ટ્રસ્ટે ભાડા પટ્ટે આપેલી જમીન માટે બાંધકામ મંજૂરી માંગી જ ન હોવાની મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટતા સાથે બાંધકામ મંજૂરી રદ કરવા માંગ

જૂનાગઢ : જુનાગઢ મહાનગર પાલિકા વિસ્તારમાં બહાઉદીન કોલેજ રોડ ઉપર આવેલ મોટી હવેલીની માલિકીની જગ્યામાં વેસ્ટર્ન મોલ નામે બાંધકામની મંજૂરી મેળવી રહેણાંક હેતુની જમીન ઉપર ગેરકાયદે કોમર્શિયલ બાંધકામને અપાયેલ મંજૂરી મામલે હવે જમીન ભાડાપટ્ટે આપનાર મોટી હવેલી દ્વારા બાંધકામ મંજૂરી રદ્દ કરવા ચેરિટી કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ કરાતા વેસ્ટર્ન મોલના સંચાલકો બરાબરના ભેખડે ભરાયા છે.

જૂનાગઢ મોટી હવેલી દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને ચેરિટી કમિશનરને તાકીદનો પત્ર પાઠવી હવેલીની માલિકીની રેવન્યુ સર્વે ન. ૨૯૨/૦૧ પૈકી પ્લોટ નંબર ૪ /૦૧વાળી જમીનમાં જવેલ ઇન્ફ્રાસ્ટ્રકચર નામની ભાગીદારી પેઢીને જમીન ડેવલપ કરવાના હેતુથી ૯૯ વર્ષના ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ છે. સદર ભાગીદારી પેઢી સાથે થયેલ લીઝડીઝની શરતો તથા કાયદાની જોગવાઇઓ હેઠળ આ જગ્યાના મુળ માલિક તરીકે બાંધકામ વિગેરેની મંજુરી અમારે મેળવવાની થાય છે. પરંતુ અમોએ આવી કોઈ મંજુરી માટે આદિન સુધી કોઇ અરજી કરી નથી કે રજુઆત કરેલ નથી કે આવી મંજુરી અંગે અમારી સહમતી માંગવામાં આવેલ નથી.

વધુમાં મોટી હવેલીના સંચાલકો દ્વારા જણાવાયું છે કે, અમારા ધ્યાન ઉપર આવેલ છે કે, આ લીઝડીડ વાળી જમીન ઉપર ડેવલોપમેન્ટ માટે જમીન મેળવનાર પેઢીએ બાંધકામ શરૂ કરેલ છે. જેથી આ પેઢીને નોટિસ આપી તેઓએ કેવી રીતે મંજુરી મેળવેલ છે તેની વિગતો માંગેલ છે. ઉપરાંત એવી હકીકત આવેલ છે કે, કોર્પોરેશન તરફથી આ મિલ્કત ઉપર બાંધકામ અંગે વિકાસ માટેની પરવાનગી આપવામાં આવેલ છે. જે મંજુરીની મુદત તા. ૨૦/૦૧/૨૦૨૨ ના રોજ પુરી થયેલ છે ત્યારે આ મંજુરી રીન્યુ કરવામાં આવેલ નથી.અગાઉ આ મિલ્કત ઉપર બાંધકામ અંગે આપવામાં આવેલ મંજૂરી (વિકાસમાટેની પરવાનગી) કાયદા માન્ય ધોરણ મુજબ અપાયેલ હોવા અંગે શહેરના જાગૃત નાગરીકોએ ફરીયાદ ઉઠાવેલ છે તથા આ બાબતે અમોને પણ અનેક રજુઆતો મળી છે.

વધુમાં ટ્રસ્ટ દ્વારા મિલ્કત નિર્ધારિત સમયના ભાડાપટ્ટાની સોપવા માત્રથી તેનો માલિકી હકક તબદીલ થતો નથી અને બાંધકામ અંગેની મંજુરી વિગેરેની કાર્યવાહી મિલ્કતના મુળ માલીક દ્વારા જ થવી જોઇએ તેવુ અમારૂ દ્રઢપણે માનવું છે. પરંતુ મુળ માલિક તરીકે અમોએ બાંધકામની મંજુરી અંગે કોઇ રજુઆત કરેલ નથી કે માંગણી પણ કરેલ નથી તેજ રીતે અમારી કોઇ સામતી પણ માંગવામાં આવેલ નથી. મંજુરી (વિકાસ માટેની પરવાનગી) કાયદાની યોગ્ય પ્રક્રિયા મુજબ થયેલ ન હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઇ આવે છે.

આ રીતે અનઅધિકૃત મંજુરી ના કારણે કોઈ બાંધકામ થાય અને ભવિષ્યમાં તે અંગે કોઇ અકસ્માત કે કાનુની વિવાદ ઉદભવે તો તેમાં જમીન માલિક તરીકે અમારી જવાબદારી ઉદભવી શકે અને તેથી અમો એ ભાગીદારી પેઢીને નોટીસ આપી મંજુરીના સાધનીક કાગળોની નકલો તાત્કાલીક પુરી પાડવા તાકીદ કરેલ છે જમીન માલિક અને ભાગીદારી વચ્ચેના લીઝડીડમાં ગમે તે જોગવાઇ કરવામાં આવેલ હોય તેનાથી વર્તમાન કાયદાની જોગવાઇ ઓને બાધ આવતો નથી. પરીણામે આપની કચેરી દ્વારા મુળ માલિક તરીકે ટ્રસ્ટની જાણકારી બહાર બાંધકામ અંગેની મંજુરી રીન્યુ કરી આપવામાં આવે તો અમારા હક હિત અને અધિકારને નાણામાં ન પુરી શકાય તેવું નુકશાન થાય તેમ છે.

જેથી જવેલ ઇન્ફ્રાસ્ટ્રકચર ભાગીદારી પેઢીના નામથી અમારી માલિકીની જગ્યા ઉપરમાં જણાવેલ જમીન ઉપર બાંધકામ કરવા માટે અગાઉ તા.૨૧/૦૧/૨૦૨૧ના રોજ આપવામાં આવેલ મજુરીની અવધિ પુરી થયેલ હોય જે રીન્યુ ન કરવા આથી જાણ કરીએ છીએ. આ અંગે લેખિતમાં જાણ કરવા છતાં જો અમારી જાણ બહાર આવી મંજુરી રીન્યુ કરવામાં આવશે કે જેની કાયદેસરતા બાબતે અનેક સવાલો ઉભા થયેલ છે તો તે કાર્યવાહી ભ્રષ્ટ રીત રશમોથી કરવામાં આવેલ હોવાનો સંદેશ જશે અને કાયદાની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેના ખર્ચખોટીપાની જવાબદારી સબંધીત લોકોની અને વિભાગની રહેશે તેવું અંતમાં જણાવાયું છે.