જુનાગઢના જોષીપુરામાં ગેસ માટે આડેધડ ખોદાણથી પાણી-ગટરની લાઈન તૂટી

પાણીની લાઈન તથા ગટરના પાઈપ તુટયા બાદ રિપેરીગ ન કરાતા સ્થાનિકોની મુશ્કેલી બેવડાઈ

જૂનાગઢ : જુનાગઢના જોષીપુરામાં હાલ ટોરેન્ટ કંપની દ્વારા ગેસ લાઈનનુ કામ ચાલુ હોય તે દરમ્યાન મહાનગરપાલિકાની હયાત ગટર તથા પાણીની લાઈનના તથા ગટરના પાઈપ તુટતા લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડે છે. જેમાં પાણીની લાઈન તથા ગટરના પાઈપ તુટયા બાદ રિપેરીગ ન કરાતા સ્થાનિકોની મુશ્કેલી બેવડાઈ છે. આથી આ બાબતે યોગ્ય પગલાં લેવા મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરાઈ છે.

જુનાગઢના જોષીપુરામાં રહેતા રાબડીયા અરવિંદ નાથાભાઈ સહિતના રહીશોએ મહાનગરપાલિકાના કમિશ્નરને રજુઆત કરી હતી કે, જુનાગઢના જોષીપુરામાં હાલ ટોરેન્ટ ગેસ કંપની દ્વારા ગેસના પાઈપ ફીટ કરવા માટે રોડ રસ્તાઓ તોડવામાં આવે છે આ સમયે તેઓના કોન્ટ્રાકટરો દ્વારા કોર્પોરેશનની હયાત પાણીની પાઈપ લાઈન તેમજ ગટરની પાઈપ લાઈન તુટતી હોય જે પાણીની તથા ગટરની લાઈનો રીપેરીંગમાં ખુબ જ સમય લાગે છે કયારેક તો ૮ દિવસે પણ આ રીપેરીંગ થતુ નથી. જેથી લોકોને પાણી વગર અને સંડાસ-બાથરૂમના ગંદા પાણીના નિકાલ ન થવાને કારણે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આથી આ કંપની દ્વારા જે પણ લાઈન તુટે તે તાત્કાલીક રીપેરીંગ કરી આપવી, પાણી અને ગંદા પાણીના નિકાલ વગર લોકો પરેશાન હોય જેથી કોન્ટ્રાકટરને કામગીરી દરમ્યાન પાણીની લાઈન તથા ગટરની લાઈન રીપેરીંગની ગેંગ સાથે રાખવી જેથી જયારે પણ લાઈન તુટે કે તરત જ રીપેરીંગ થઈ શકે અને લોકોને કોઈ જ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમજ જો આ કામગીરી માટે કોઈ એજન્સી ફીકસ કરેલ હોય તો તેના જવાબદાર વ્યકિતના નામ તથા નંબરની બહોળી પ્રસિધ્ધી કરાવવી જેથી આમ જનતા તે વ્યકિતનો જ સંપર્ક કરી પોતાની સમસ્યા હલ થઈ શકે તેમ જણાવ્યું હતું.