ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંગ્રેજી ભવન દ્વારા સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન

તા.૧૯ તથા ૨૦ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ” ન્યુ ડાયરેકશન્સ ઓફ એકેડેમિક રીસર્ચ ” શીર્ષક હેઠળ દેશ-વિદેશમાંથી કુલ ૨૫૩ રીસર્ચ પેપર્સ રજૂ થશે : ૨૨ સેશનમાં સંશોધન પેપર્સ રજૂ થશે
ભારત ઉપરાંત કેનેડા, યુ.કે., બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી સંશોધકો તથા સ્પીકર્સ જોડાશે : ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઉદ્ઘાટન

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ દ્વારા આગામી તા.૧૯ તથા ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ (શનિવાર તથા રવિવાર) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ” ન્યુ ડાયરેકશન્સ ઓફ એકેડેમિક રીસર્ચ ” શીર્ષક હેઠળ યોજાનાર આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ-વિદેશમાંથી કુલ ૨૫૩ જેટલા પ્રાધ્યાપકો, સંશોધનકારો, શિક્ષણવિદો, રીસર્ચ સ્કોલર્સ તથા અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો તથા સંશોધન લેખો રજુ કરી જ્ઞાનનું આદાનપ્રદાન કરશે.

ભારતના વિવિધ રાજ્યો સહિત કેનેડા, યુ.કે., બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન વિગેરે દેશોમાંથી સંશોધકો તથા સ્પીકર્સ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. ઇન્ડિયન એસોસીએશન ફોર કેનેડીયન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ ૩૪ મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન તા.૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે ગુજરાતના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે થશે. જીતુભાઈ વાઘાણી ઉપરાંત રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર તથા શિક્ષણ અગ્રસચિવ એસ. જે. હૈદર પણ ઓનલાઈન ઉપસ્થિત રહેશે. બે દિવસ દરમ્યાન પેરેલલ કુલ ૨૨ સેશનમાં રીસર્ચ પેપર્સ પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ છે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે ત્યારે કુલપતિ પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જૂનાગઢના આંગણે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નવી પેઢીના સંશોધકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. પ્રબુદ્ધ વ્યક્તિઓ વચ્ચેનું જ્ઞાનનું આદાન-પ્રદાન સમાજ તથા સંશોધકોને પણ એક નવી દિશા આપશે તેવું અંતમાં કુલપતિશ્રીએ જણાવ્યું હતું.

સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા કુલપતિ ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશના હેડ અને કોન્ફરન્સના કન્વીનર ડૉ.ફિરોઝ શેખ, ડૉ.રૂપાબેન ડાંગર, ડૉ.ઓમ જોશી સહિતનો તમામ ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.