તસ્કરોનો તરખાટ : બાંટવાની મોબાઈલ શોપમાં ૨૦ મોબાઇલની ચોરી

અન્ય બનાવમાં વંથલીના ખોખરડા ગામની સીમ વિસ્તારમાં ૩ મોબાઈલ અને રોકડની ચોરી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં તસ્કરોએ ધામાં નાખી રીતસર તરખાટ મચાવીને ઢગલાબંધ મોબાઈલ અને રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રથમ બનાવમાં તસ્કરો બાંટવાની મોબાઈલ શોપમાં ૨૦ મોબાઇલની ચોરી કરી ગયા હતા અને બીજા બનાવમાં વંથલીના ખોખરડા ગામની સીમ વિસ્તારમાં ૩ મોબાઈલ અને રોકડની ચોરી કરીને પોલીસને રોક સકો તો રોક લો નો પડકાર ફેંક્યો છે. ચોરીના વધતા બનાવોથી વેપારીઓ અને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

પ્રથમ બનાવમાં બાંટવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વેપારી દિનેશભાઇ રામચંદ તન્ના (ઉ.વ.૩૨ રહે.બાંટવા તુરીયાપા તા.માણાવદર)એ કોઇ અજાણીયા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૨૧ના રોજ રાત્રીના સમયે એસ.બી.આઇ એટી.એમ વાળી ગલી ટાઉન બીટ તાબે બાંટવા ખાતે આવેલ ફરીયાદીની રાધે મોબાઇલ નામની દુકાનને કોઇ અજાણ્યા ચોર ઇસમો નિશાન બનાવી આ દુકાનની છતના નળીયા ઉતારી દુકાનની અંદર પ્રવેશ કરી દુકાનામા રાખેલ એન્ડ્રોઇડ તથા સાદા મળી કૂલ નવા મોબાઇલ ફોન નંગ-૨૦ જેની કૂલ રૂ.૯૫૪૬૨ ની ચોરી કરી ગયા હતા.

બીજા બનાવની વંથલી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જયદીપભાઈ રામભાઇ બકોત્રા (ઉ.વ.૨૬ રહે.ખોખરડા નવા પ્લોટ વિસ્તાર તા.વંથલી)એ કોઇ અજાણ્યો ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨ના રોજ ખોખરડા ગામની સીમ વિસ્તારમાં તસ્કરોએ ત્રાટકી ફરીયાદીનો મોબાઇલ ફોન આઇ.ફોન ૭ પ્લસ કી.રૂ.૧૦૦૦૦ તથા અરજણભાઈ મેમલભાઈ મેતાનો વિવો કંપનીનો એંડ્રોઈડ મોબાઈલ કી.રૂ.૫૦૦૦ તથા કરશનભાઇ રામભાઈ ડાંગરનો રેડમી કંપનીનો એંડ્રોઈડ મોબાઈલ ફોન કી.રૂ. ૫૦૦૦ તથા સાહેદ વારસુરભાઈ રામભાઈ છૈયાના વાડીએ પડેલ કપડાના ખીસ્સમાંથી રોકડ રૂ.૧૫૦૦ એમ કુલ રૂ. ૨૧૫૦૦ મુદામાલની ચોરી કરી ગયા હતા.