જૂનાગઢમાં છરીથી હુમલો કરી દસ હજાર ભરેલ પાકિટની લૂંટ ચલાવનાર બે ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો , બન્ને આરોપીઓ બાર જેટલા અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢના નંદનવન મેઇન રોડ ઉપર આવેલ ગોડાઉન પાસે જાહેરમાં છરી બતાવી રૂપિયા દસ હજાર ભરેલ પાકીટની બે અજાણ્યા ઇસમોએ લૂંટ ચલાવી હોવાના બનાવનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં યુવાન ઉપર છરીથી હુમલો કરી દસ હજાર ભરેલ પાકિટની લૂંટ ચલાવનાર બન્ને ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકડા રૂ.૧૦,૦૦૦ તથા મોટર સાયકલ-૧ કિ.રૂ.૩૫,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓ બાર જેટલા અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ બનેલ હોય. તે જગ્યાની વીજીટ લઇ બનાવ સ્થળની આસ-પાસના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી આવા ગુન્હાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

દરમિયાન ગઇ તા.૨૦ ના રોજ રાત્રીના સમયે જુનાગઢ નંદનવન મેઇન રોડ ઉપર ફરીયાદી મનીષભાઇ નારણભાઇ નલીયાપરા પોતાના ગોડાઉનને ગયેલ ત્યારે બે અજાણ્યા યુવકોએ ચપ્પા વડે જમણા હાથના પંજા ઉપર તથા ખંભા ઉપર ઇજાઓ કરી બાઇકની ચાવી તથા રૂપિયા દશ હજાર ભરેલ પાકીટ જટી તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લુંટનો બનાવ બનેલ. સદરહુ ગુન્હો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇ. એચ.આઇ.ભાટી. તથા પો. હેડ કોન્સ, પ્રકાશભાઇ ડાભી તથા પો.કો. દિપકભાઇ બડવા, દિવ્યેશભાઇ ડાભી આ ગુન્હામાં સંડોવાયેલ અજાણ્યા આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી.

પોલીસે ખાનગી બાતમીદારો તથા આજૂબાજૂના વિસ્તારના સીસીટીવી ફુટેઝ તથા ટેકનીકલ ટીમની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમ્યાન ખાનગી બાતમીદારો અને સીસીટીવી ફુટેઝની મદદથી પો.ઇ. એચ.આઇ.ભાટી તથા પો. હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી તથા પો.કો. દિપકભાઇ બડવા, દિવ્યેશ ડાભીનાઓને સંયુક્તમાં ચોક્ક્સ ખાનગી બાતમી હકિકત મળેલ કે, આ બનાવમાં ઇલ્યાસ ઉર્ફે ઇલુ (રહે. જૂનાગઢ હર્ષદનગર), પરેશ ઉર્ફે બાદલ (રહે.જૂનાગઢ જોષીપરા આદિતયનગર-૨) નામના ઇસમો સંડોવાયેલ છે. અને આ બંને ઇસમો જૂનાગઢ જોષીપરા ગરનાળા નજીક એકસેસ મો.સા. સાથે ઉભા હોવાની હકિકત મળતા ઉપરોકત પો.સ્ટાફ સાથે તાત્કાલીક જૂનાગઢ જોષીપરા ગળનાળા નજીક તપાસ કરતા ઉપરોકત વર્ણન વાળા બે ઇસમો ગળનાળા આગળથી પકડી પાડી બંને ઇસમોને એકસેસ મો.સા. સાથે રાઉન્ડઅપ કરી વધુ પુછપરછ માટે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ, ખાતે લાવવામાં આવેલ અને બંને ઇસમોની પ્રાથમીક પુછપરછ કરતા ગોળ ગોળ જવાબો આપતા હોય. જેથી બંને ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની હકિકત જણાવતા હોય. બંને ઇસમોની અંગજડતી કરતા લુટમાં ગયેલ રોકડા રૂ.૧૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦ તથા સુઝુકી કંપનીની એકસેસ મો.સા. નંબર વગરની કિ.રૂ.૩૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીજન પો.સ્ટે.ને સોંપી આપેલ છે.