જૂનાગઢ કલેક્ટર કચેરીમાં પ્રથમ વખત ધ હ્યુમન લાઇબ્રેરીનો પ્રારંભ

કર્મચારીઓ હ્યુમન લાઇબ્રેરીમાં લંચ ટાઇમ દરમિયાન એકબીજા સાથે સમય પસાર કરી સુખ-દુઃખ શેરીંગ કરી શકશે

નવતર પ્રયોગઃ હેપ્પીનેશ એડમીનીસ્ટ્રેશન પ્રોજેકટ બાદ હવે એસી પંખા થી સજ્જ ધ હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી રચિત રાજના હસ્તે કલેક્ટર કચેરી ખાતે ધ હ્યમુન લાઇબ્રેરીનો આરંભ કરાયો હતો. ધ હ્યુમન લાઇબ્રેરીમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ લંચ ટાઇમ દરમિયાન એકબીજા સાથે સમય પસાર કરી શકશે.

ધ હ્યુમન લાઇબ્રેરીના ઉદ્દઘાટન પ્રસંગે કલેક્ટરશ્રી રચિત રાજે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં પ્રથમ વખત સરકારી સંસ્થામાં ધ હ્યુમન લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. ધ હ્યુમન લાઇબ્રેરીનો કોન્સેપ્ટ મુળ ડેન્માર્કથી લેવામાં આવ્યો છે. ધ હ્યુમન લાઇબ્રેરીના ઉદ્દઘાટન પ્રસંગે કલેક્ટરશ્રીએ આ કોન્સેપ્ટનો હેતુ જણાવતા કહ્યું હતું કે, સામાન્ય રીતે લાઇબ્રેરીમાં પુસ્તકો હોય છે. પરંતુ હ્યુમન લાઇબ્રેરીમાં માણસો મળશે. આ લાઇબ્રેરીમાં કોઇ પુસ્તક નહિ હોય અહીં વ્યક્તિ આવશે વાતચીત કરશે અને સુખ દુઃખની વહેચણી કરશે. આ લાઇબ્રેરી ખાસ છે. જેમાં લોકો સાથે સમય પસાર કરી શકાશે.હ્યુમન લાઇબ્રેરીનો મુખ્ય હેતુ ઇમોશનલ ઇન્ટેલીજન્સ સ્કીલ બહાર લાવવાનો છે.

તેમણે ઉમેર્યુ હતું કે, આજના સતત વ્યસ્ત શેડ્યુલ અને ભાગદોડ ભર્યા જીવન વચ્ચે બેલેન્સ કરવું ખુબ જ મુશ્કેલ છે. ત્યારે આ પરિસ્થિતિની છણાવટ કરીને શરૂઆતના તબક્કે કર્મચારીઓ માટે ધ હ્યુમન લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બપોરના ૧ થી ૩ દરમિયાન કર્મચારીઓ હ્યુમન લાઈબ્રેરીમાં એકબીજા સાથે શેરીંગ કરી શકશે. આ દરમિયાન એક ખુશાલ વાતાવરણમાં કર્મચારી સમય વિતાવી શકશે. જેથી કર્મચારીઓ કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. અહીં લાઇબ્રેરીમાં શેરીંગ અને કેરીંગના આધારે કર્મચારીઓને મોટીવેશન મળશે. કલેક્ટરશ્રીએ કર્મચારીઓને આ લાઇબ્રેરીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
અગાઉ પણ જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્રએ હેપ્પીનેશ એડમીનીસ્ટ્રેશન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. જેનો ઉદેશ પણ આ જ પ્રકારનો હતો. હાલમાં ભારતમાં ખાનગી ક્ષેત્રે મલ્ટીનેશનલ કંપનીઓમાં હ્યુમન લાઇબ્રેરીઓ કાર્યરત છે. પરંતુ ભારતમાં સરકારી કચેરીમાં આ પ્રકારની હ્યુમન લાઇબ્રેરીનું પ્રથમ આરંભ કરવામાં આવ્યો છે.

આ તકે આસીસ્ટન્ટ કલેક્ટરશ્રી હનુલ ચૌધરી, અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.