પોલીસ કર્મીઓના સસ્પેન્ડની ખુશી મનાવવી ભારે પડી, બે પત્રકાર સહિતના ટોળા સામે ફરિયાદ

વંથલી પોલીસ સ્ટેશનમાં ટોળાએ ફટાકડા ફોડી જશ્ન મનાવતા ફોજદારી કાર્યવાહી થઈ

જૂનાગઢ : વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઇની બદલી અને પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા તેની ઉજવણી કરવી ભારે પડી હતી.જેમાં કેટલાક લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનમાં જ ફાટકડા ફોડીને જશ્ન મનાવતા આખરે ફોજદારી કાર્યવાહી થઈ છે. જેમાં બે પત્રકાર સહિતના ટોળા સામે ગુન્હો નોંધાયો છે.

વંથલી પોલીસ સ્ટેશનમાથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વંથલી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.વી.કે.ઉજીયાએ સરકાર તરફે ફરિયાદી બનીને આરોપીઓ અજય વાણવી (પત્રકાર-રહે. વંથલી), હાર્દિક વાણીયા (પત્રકાર-રહે. વંથલી), વિજય ગોવિંદ વાણવી (રહે. વંથલી), એભો વિજય વાણવી (રહે. વંથલી), રવી દેવજીભાઇ ચૌહાણ (રહે. બોડકા બાવાના), રમેશ પુંજા વાણવી (રહે. વંથલી) તથા અન્ય અજાણ્યા ઇસમો મળી કુલ દશથી બાર માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીઓએ પો.સ.ઇ. એ.પી.ડોડીયાની બદલી થયેલ તેમજ અન્ય પાંચ કર્મચારીઓ ફરજ મોકુફ થયેલ તે બાબતે ઉપરોકત ઇસમો વંથલી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો.આથી પોલીસે આ તમામ આરોપીઓ સામે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ ના નં.૨) ની કલમ ૧૪૪ મુજબ પ્રસિધ્ધ થયેલ જાહેરનામાના નિયમોનો ભંગ બદલ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.