જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી માર મારી દસ લાખની ખંડણી માંગી

છ શખ્સોએ યુવાનને જીવીત છોડવા માટે રૂપીયા બે લાખ પડાવી લીધા બાદ અન્ય રૂપિયા પછી આપવાની શરતે છોડી મુક્યો, અન્ય એક યુવાનને પણ આ ટોળકીએ શિકાર બનાવી રૂપિયા દસ હજાર પડાવી લીધા, બન્ને યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી

જૂનાગઢ : જૂનાગઢમાં છ શખ્સોએ ખંડણીના ઇરાદે એક યુવાનનું અપહરણ કરી તેના પરિવાર પાસેથી દસ લાખ રૂપિયા ખંડણી માંગી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ ટોળકીએ યુવાનને જીવીત છોડવા માટે રૂપીયા બે લાખ પડાવી લીધા બાદ અન્ય રૂપિયા પછી આપવાની શરતે છોડી મુક્યો હતો.જ્યારે અન્ય એક યુવાનને પણ આ ટોળકીએ શિકાર બનાવી રૂપિયા દસ હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. બાદમાં આ બન્ને યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસારઅ ફરિયાદી ફરોજભાઇ અહમદભાઇ માલકાણી (ઉ.વ. ૩૪ રહે. જુલાયવાડાના નાકા,મધુર સ્કુલની સામે, નરસિંહ વિધ્યા મંદિરની સામેની બાજુમાં જુનાગઢ)એ આરોપીઓ મોહસીન ઉર્ફે હોલેહોલે (રહે.જુનાગઢ), સોહીલ રહે.લંઘાવાડા જુનાગઢ, અકરમ પટેલ (રહે. માંડવી ચોક જુનાગઢ), સરફરાજ ઉર્ફે ડાબરો (રહે.જુનાગઢ), શાહરૂખ બાપુ રહે. પીસોરીવાડા (જુનાગઢ),એક અજાણ્યો પુરૂષ ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૬ના રોજ પાસે આરોપીઓએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક રૂપીયા કઢાવવા સારૂ છરી જેવા ઘાતક હથીયારો ઘારણ કરી ફરીયાદીનો બુલેટ તથા બર્ગમેનમોટર સાઇકલમાં પીછો કરી જૂનાગઢની બહાઉદિન કોલેજની સામે ફરીયાદીની બુલેટ મોટર સાઇકલની આગળ પોતાની મોટર સાઇકલો આડી રાખી ફરીયાદીનો ગેર કાયદેસર અવરોધ કરી ફરીયાદી પાસેથી રૂપીયા દસ લાખની ખંડણીની માંગણી કરી ગાળો આપી ફરીયાદીને તામમ આરોપીઓએ છરીઓ બતાવી રૂપીયા નહી આપેતો જાનથી મારી નાખવાની ધમકી આપી અને રૂપીયા કઢાવવા સારૂ ફરીયાદીનું બળજબરી પુર્વક અપહરણ કરી ગયા હતા.

અપહરણ કરી ફરીયાદીને સરદાર બાગની અંદર કેન્ટીનની પાછળના ભાગે અવાવરૂ જગ્યામાં લઇ જઇ અને રૂપીયા કઢાવવા સારૂ ફરીયાદીની અટકાયત કરી તમામ આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપી મોહસીન ઉર્ફે હોલેહોલેએ પથ્થરથી માર મારી તથા આરોપી અકરમ પટેલએ ફરીયાદીને ડાબા પગમાં પાછળના ભાગે થાપા નીચે છરીનો એક ઘા મારી ઇજા કરી અને ફરીને જીવીત છોડવા માટે રૂપીયા બે લાખ સાહેદ ઇમ્તીયાઝ પાસેથી કઢાવી લઇ અને ફરીયાદીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ બીજા અન્ય પાંચ લાખ રૂપીયાની સવારના વ્યવસ્થા કરી આપવાની શરતે ફરીયાદીને પોતાના કબ્જામાંથી મુકત કરી દીધો હતો.આથી યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવની ફરિયાદ મુજબ ફરિયાદી અબ્દુલકાદરભાઇ હાસમભાઇ ભાટા (ઉ.વ.૪૨ રહે. સરદારબાગ પાછળ ગુલીસ્તાન સોસાયટી ગોરીપીર મસ્જીદ પાછળ બ્લોક નં ૨૦-૨૧ જુનાગઢ)એ આરોપીઓ મોહસીન ઉર્ફે હોલેહોલે, સરફરાજ ઉર્ફે ડાબરો, શાહરૂખ
(રહે.ત્રણેય જુનાગઢ), ફીરોજ ઉર્ફે લાલો (રહે. ચોબારી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક રૂપીયા પાંચ લાખ કઢાવવા સારૂ ફરીયાદીને સરદારબાગની અંદર આવેલ કેન્ટીન પાસે બોલાવી તમામ આરોપીઓએ ભુંડી ગાળો આપી આરોપીએ થપ્પડ મારી તેમજ અન્ય આરોપીએ ફરીયાદીને છરી બતાવી રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી બળજબરીથી રોકડા રૂ.૧૦,૦૦૦ પડાવી લીધા હતા. આ ખંડણીખોર ટોળકીએ આંતક મચાવી બબ્બે યુવાનને શિકાર બનાવતા ભારે ચકચાર મચી ગઇ છે.