જૂનાગઢમાં રૂ.4.17 કરોડના વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફરી વળ્યું

જિલ્લાના પોલીસ મથકમાં અલગ અલગ ગુન્હામાં કબ્જે લેવાયલો વિક્રમજનક કરોડોના દારૂનો નાશ કરાયો

જૂનાગઢ : જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ આપતા રૂ.4.17 કરોડના વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફરી વળ્યું હતું.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન પોલીસ સ્ટેશનો, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, ભેસાણ પોલીસ સ્ટેશન અને બીલખા પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આજદિન સુધીમાં ચાલુ સાલે આશરે સવા ચાર કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એસડીએમ ભૂમીબેંન કેશવાલા, મામલતદાર તન્વી ત્રિવેદી તથા નશાબંધી અધિક્ષક જાડેજા, જૂનાગઢ ડિવિઝનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી.

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ 124 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 7644 કિંમત રૂ. 37,39,70, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ 123 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 13079 કિંમત રૂ. 50,18,310, વિસાવદર પોલીસ સ્ટેશનના કુલ 45 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 3993 કિંમત રૂ. 16,32,020, તાલુકા પોલીસ સ્ટેશનના કુલ 76 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 37545 કિંમત રૂ. 1,46,09,250, ભેસાણ પોલીસ સ્ટેશનના કુલ 57 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 21420 કિંમત રૂ. 81,22,580, બીલખા પોલીસ સ્ટેશનના કુલ 26 ગુન્હાની વિદેશી દારૂ બોટલો નંગ 24510 કિંમત રૂ. 83,54,660 મળી, જૂનાગઢ ડિવિઝનના કુલ 488 ગુન્હાની વિદેશી દારૂની બોટલ નંગ 1,09,174 કુલ કિંમત રૂ. 4,17,92,621 ના વિદેશી દારી મુદ્દામાલનું રોલર ફેરવી અને સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ પૈકી ભેસાણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂ નાશ કરવામાં આવેલ હતો. આ વર્ષે નાશ કરવામાં આવેલ સવા ચાર કરોડની કિંમતનો વિદેશી દારૂ, ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ છે.