જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર હુમલો કરી કારમાં તોડફોડ

માળીયા હાટીનાના ઘણેજ ગામે મારામારીના બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના ઘણેજ ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે હુમલો અને કારમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પરબતભાઈ ભાયાભાઈ સોલંકી (ઉ.વ ૨૪ રહે.મોટી ધણેજ ગામ તા.માળીયા હાટીના)એ આરોપીઓ નીલેશભાઈ રાજશીભાઈ સોલંકી, જયેશભાઈ પરબતભાઈ સોલંકી (રહે.બધા ધણેજ મોટી તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપી નીલેશ ભાઈના ડ્રાઈવર સાથે અગાઉ બોલાચાલી થયેલ જે મનદુ:ખના કારણે આરોપીએ ફરીયાદીને ફોન કરી બોલાવી ફરીયાદીના માથામાં લોખંડ નો પાઈપ મારી તથા હાથમા પાઇપનો ઘા મારી ઈજા કરી ફરીયાદીની મોટરકારમાં નુકસાન કરી તથા આ મારામારી દરમ્યાન ફરીયાદી ના ખીસ્સામાં થી રોકડ રૂ, ૫૦,૦૦૦ તથા ગળામાં પહેરેલ સોનાંનો ચેઈન પડી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.