જૂનાગઢમાં રઝળતા ઢોરનો આંતક, દસેક લોકોને ઢીકે ચડાવ્યા

રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બનવા છતાં મનપા માત્ર તમાશો જ જોતા અંતે લોકોને જાતે જ રખડતા ઢોરને પકડવાની ફરજ પડી

જૂનાગઢ : જૂનાગઢમાં રખડતા ઢોરના ત્રાસનો પ્રશ્ન લાંબા સમયથી ગંભીર છે. પણ મનપા તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બન્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જૂનાગઢના આલ્ફા સ્કૂલ પાસે અને લક્ષ્મીનગર વિસ્તારમાં રખડતા ઢોર રીતસર ભૂરાટાં થઈને એક પછી એક લોકોને ઢીકે ચડાવતા દસથી વધુ લોકો ઘાયલ થયા છે. રખડતા ઢોરના ત્રાસની ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર માત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જ જોતા લોકોને ખુદ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવી પડી હતી.

જૂનાગઢની આલ્ફા સ્કૂલ પાસે રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે રાત્રિના સમયે એક ગાયે ત્રણ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ બાબતે કોર્પોરેશનની ટીમને જાણ કરવા છતાં મનપા ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક લોકોએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે. જો કે આ પહેલા પણ લક્ષ્મીનગર વિસ્તારમાં દસેક લોકોને ગાયેએ ઢીકે ચડાવ્યા હતા. આજે પણ રખડતા ઢોરે આંતક મચાવીને દસથી વધુ લોકોને ઘાયલ કરતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. જો કે તંત્ર દ્વારા રખડતા ઢોર મુદ્દે કોઈપણ કામગીરી ન કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે ગઈકાલે આખલાએ તેમના બે સંતાનો તેમજ તેમના ભાઈને હડફેટે ચડાવ્યા હતા. જ્યારે લક્ષ્મીનગર, આલ્ફા સ્કૂલ પાસે રહેતા વિશાલભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી તેમના વિસ્તારમાં એક ગાય આંતક મચાવે છે. જેમાં 15થી વધુ વ્યક્તિઓને બાઈક સાથે પછાડી ઇજા પહોંચાડી છે. અગાઉ પણ આવા રખડતા ઢોરોએ તેમના વિસ્તારમાં આંતક મચાવ્યો હતો. મનપાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા અંતે લોકોની સલામતી માટે ગાયને બાંધી દઈ મનપાને સોંપવાની તજવીજ હાથ ધરી છે.