જૂનાગઢમાં સાંસદ સામે બાયો ચડાવનાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ફેરવો તોળ્યું

સાવજ દૂધ સંઘની ડેરીની ચૂંટણીમાં હવે સાંસદને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે સમર્થન આપતા રાજકીય નૌટકીનો અંત

જૂનાગઢ : જુનાગઢ સાવજ દૂધ સંઘની ડેરીની ચૂંટણીમાં સાંસદ મેદાને આવ્યા બાદ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે તેમની સામે ગંભીર આરોપ મુકતા જૂનાગઢ ભાજપમાં બે જૂથ પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન આજે અચાનક જ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે તલવાર મ્યાન કરી લીધી છે. આગેવાનોની દરમિયાનગીરીથી સાવજ દૂધ સંઘની ડેરીની ચૂંટણીમાં હવે સાંસદને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે સમર્થન આપતા રાજકીય નૌટકીનો અંત આવ્યો છે.

જુનાગઢ સાવજ દૂધ સંઘની ડેરીની ચૂંટણીમાં ગઈકાલે ભાજપના બે જૂથ આમને-સામને આવ્યા હતા. જેમાં ગઈકાલે પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખે સાંસદ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને સાંસદે પાછળથી આ ચૂંટણીમાં પોતાનું નામ ઉમેરાવી પોતાની રાજકીય વગનો દૂરપયોગ કરતા હોવાનો આક્ષેપ મુક્યા બાદ હવે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ફેરવો તોળ્યું છે અને સાંસદને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી જાવિયાએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જો કે સિનિયર નેતાગીરીની મધ્યસ્થી આ મામલાને શાંત પાડી દેવાયો છે. આથી ઠાકરશી જાવિયાએ જણાવ્યું હતું કે, હું ચૂંટણીના મેદાનમાં હવે નથી અને દૂધ સંઘની ચૂંટણી સાંસદ રાજેશ ચુડાસમા જ લડશે તેવી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ પ્રતિક્રિયા આપી છે.