લગ્ન પ્રસંગનું શુટીંગ મોબાઈલ ઉતારી ફેસબુકમાં અપલોડ કરવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી

માણાવદરના સરાડીયા ગામેં બનેલા બનાવમાં સામસામી હુમલાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માણાવદરના સરાડીયા ગામેં લગ્ન પ્રસંગનું શુટીંગ મોબાઈલ ઉતારી ફેસબુકમાં અપલોડ કરવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પરિવારો આમને સામને આવી જઇ પથ્થરમારો તેમજ પાવડાના હાથા વડે હુમલો કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવિભાઇ ભરતભાઇ ઉર્ફે મુનાભાઇ વાઘેલા (ઉ.વ.૧૯ રહે સરાડીયા, વડવાળા હોટલ સામે તા.માણાવદર મુળ રહે કુતીયાણા ચુનાડા વાસ આમદપરા ચોકડી તા.કુતીયાણા જી. પોરબંદર)એ આરોપીઓ ડાયા રામા સારોલીયા, ઘેલા રામા સારોલીયા, સુરેશ ડાયા સારોલીયા
(રહે. બધા ચૌટાવાક તા.કુતીયાણા જી.પોરબંદર)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના સગામા સરાડીયા ગામે લગ્ન પ્રસંગ હોય જેમા ફરીયાદી તથા આરોપી અને સાહેદ પ્રવિણભાઇ મેઘાભાઇ સોલંકી બેન્ડ પાર્ટી વગાડતા હોય જેનો વિડીયો ફરીયાદીના મોબાઇલમા ઉતારેલ હોય જેનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદીના બાપુજી સાહેદ ભરતભાઇ ઉર્ફે મુનાભાઇને ઢીકાપાટુ વડે માર મારી તેમજ સાહેદ ભરતભાઇને માથાના ભાગે પાવડાના હાથા તથા કોશ વડે માર મારી ઇજા કરી હતી.

સામાપક્ષે ડાયાભાઇ રામજીભાઇ સોરાલીયા (ઉ.વ.૫૦ રહે. કુતીયાણા ચુનારાવાસ)એ આરોપોઓ રવી ભરતભાઈ પરમાર , ભરત લાખા (રહે. બંને સરાડીયા તા.માણાવદર)ની સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, એક આરોપીએ ફરીયાદીના સંબધી સ્ત્રીઓના લગ્ન સંબધી વીડીયો ઉતારેલ જે વીડીયો ફરીયાદીએ અન્ય જગ્યાએ નહી મોકલવાનુ કહેલ તેમ છતા આરોપીએ વીડીયો ફેસબુકમા મોકલેલ તે બાબતે આરોપીને ફરીયાદી સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને નાક પર પાવડાના હાથાથી તથા પથ્થરના છુટા ઘા કરી શરીરે નાની મોટી ઈજા કરી હતી.