જૂનાગઢ ACBની સફળ ટ્રેપ : મીયાણી મરીન પોલીસ સ્ટેશનના ASI રૂ. ૫૦૦ની લાંચ લેતા પકડાયા

પોરબંદરથી દ્વારકા રોડ પર પોલીસકર્મી પાવતી વિના વાહનચાલકો પાસેથી દંડ લેતા ઝડપાયા

જૂનાગઢ : પોરબંદરથી દ્વારકા રોડ પર પોલીસકર્મી પાવતી વિના વાહનચાલકો પાસેથી દંડ લેતા હોવાની બાતમીના આધારે જૂનાગઢ ACBએ લાંચનું છટકું ગોઠવતા મીયાણી મરીન પોલીસ સ્ટેશનના ASI રૂ. ૫૦૦ની લાંચ લેતા પકડાયા હતા.

જૂનાગઢ એ.સી.બી.ને ખાનગી રાહે હકીકત મળેલ કે પોરબંદરની મિયાણી પોલીસ ચેકપોસ્ટથી પસાર થતા માલવાહક વાહનોના ચાલકો પાસેથી પોલીસ કર્મચારીઓ રૂ. ૨૦૦/-થી રૂ. ૧૫૦૦/- સુધીની લાંચની ગેરકાયદેસર માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી, તે બદલની કોઇપણ જાતની કાયદેસરની પહોંચ કે પાવતી આપતા નથી.

જે માહિતીની ખરાઇ કરવા સારુ જૂનાગઢ એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એક જાગૃત નાગરિકનો સંપર્ક કરી સાથ સહકાર મેળવી તેના વાહનમાં ભેંસો ભરી ગઈકાલે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. લાંચના છટકા દરમ્યાન મીયાણી પોલીસ ચેકપોસ્ટ પાસેથી વાહન લઈ પસાર થતા પોલીસ ચેક પોસ્ટ ખાતે ભેંસ ભરેલ વાહન રોકાવતા તેઓ વાહનમાંથી ઉતરી મીયાણી મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. આરોપી રૂડીબેન નથુભાઈ ઓડેદરા પાસે જતા આરોપીએ લાંચની હેતુલક્ષી વાતચીત કરતા અને તેના દ્વારા રૂ.૬૦૦/- ની લાંચની માંગણી કરતા રક્ઝકના અંતે તેણે રૂ.૫૦૦/- લાંચની રકમ સ્વીકારી હતી.

પોલીસકર્મીએ કોઇપણ જાતની કાયદેસરની પહોંચ કે પાવતી નહી આપી લાંચની રકમ રૂ. ૫૦૦/- સાથે પકડાઈ જઈ પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ગુનો કર્યો હતો. આરોપીને કોવિડ-૧૯ અન્વયે ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કાર્યવાહી જૂનાગઢ એ.સી.બી.ના પોલીસ સ્ટાફે કરી, પોલીસ ઈન્સપેક્ટર પી. બી. ગઢવીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ જૂનાગઢ એ.સી.બી. મદદનીશ નિયામક બી. એલ. દેસાઈએ સુપરવિઝન કર્યું છે.