કિચન ટિપ્સ : શું તમે જાણો છો? સૂકાં આખા લાલ મરચાં દહીંને બનાવે છે ઘટ્ટ..

જાણો.. ઘરમાં બજાર જેવું ઘટ્ટ દહીં બનાવવાના ચાર નુસખા

ઘરે બનતું દહી એટલું ઘટ્ટ હોતું નથી જેટલું તે બજારમાં મળે છે. અહીં એવી ટિપ્સ આપેલી છે, જેને અપનાવીને બજારની જેમ ઘરે દહીં ઘટ્ટ અને ટેસ્ટી બનાવી શકો છો.


1. ઘરે ઘટ્ટ દહીં બનાવવાની રીત :

સૌપ્રથમ દૂધને સારી રીતે ઉકાળો અને ઠંડુ કરો. જ્યારે દૂધ હૂંફાળું હોય ત્યારે તેમાં થોડું દહીં એટલે કે મેળવણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેને ઢાંકીને આખી રાત રહેવા દો. જો સવારે દહીં જામી જાય તો તેને એક કલાક માટે ફ્રીજમાં રાખો.


2. માઈક્રોવેવ ઓવનમાં બનાવો દહીં :

જો તમે ઓછા સમયમાં દહીં સેટ કરવા ઈચ્છો છો તો તમે માઈક્રોવેવ ઓવનનો પણ ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ માઇક્રોવેવને 180 ડિગ્રી પર બે મિનિટ માટે પ્રી-હીટ કરો અને તેને બંધ કરો. હવે હૂંફાળા દૂધમાં મેળવણ નાખો, તે વાસણને ઢાંકીને માઇક્રોવેવમાં રાખો. ઓવન ચલાવવાની જરૂર નથી. ત્રણથી ચાર કલાક આમ જ રહેવા દો. દહીં જામી જશે. તમે તેને ફ્રીજમાં રાખી શકો છો.


3. મરચાંનો ઉપયોગ કરો :

હા, તમે દહીં બનાવવા માટે મરચાંનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ દૂધ ઉકાળો અને ઠંડુ થવા દો. જો નવશેકું દૂધ હોય તો દૂધમાં થોડાં સૂકાં આખા લાલ મરચાંને તોડ્યા વિના ઉમેરો. વાસ્તવમાં, સૂકા લાલ મરચામાં લેક્ટોબેસિલી નામના બેક્ટેરિયા હોય છે જે દૂધના કોગ્યુલેશનમાં મદદ કરે છે. તમે આ દૂધમાંથી થોડું દહીં બનાવો અને હવે આ દહીંમાંથી વધુ દહીં બનાવો. બીજું દહીં ખૂબ ઘટ્ટ થઈ જશે. તે મેળવણ તરીકે સારૂ કામ કરે છે.


4. મિલ્ક પાઉડરનો ઉપયોગ કરો :

સૌથી પહેલા દૂધને ઉકાળો અને તેને થોડું ઠંડુ કરો. હવે એક બાઉલમાં ચારથી પાંચ ચમચી મિલ્ક પાવડર લો અને તેમાં દહીં મિક્સ કરો. બે વાસણોની મદદથી તેને સારી રીતે હટાવી લો. આમ કરવાથી દહીં બિલકુલ ખાટું થતું નથી અને દહીંમાં રહેલું પાણી સુકાઈ જાય છે. તેને કપડાથી ઢાંકીને આખી રાત રહેવા દો.