જૂનાગઢની સાવજ દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે

સાંસદ રાજેશ ચુડાસમાએ ખેરા દૂધ ઉત્પાદક મંડળીમાં અચાનક જ પોતાનુ નામ ઉમેરાવ્યુ હોવાનો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાનો આક્ષેપ

જૂનાગઢ : જૂનાગઢની સાવજ દૂધ સંઘની ચૂંટણીનો ઉકળતો ચરૂ સામે આવ્યો છે. જેમાં આ ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ખેરા દૂધ ઉત્પાદક મંડળીમાં અચાનક જ પોતાનુ નામ ઉમેરાવ્યુ હોવાનો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ આક્ષેપ સાથે કલેકટર સહિતનાને રજુઆત કરતા જૂનાગઢની સાવજ દૂધ સંઘની ચૂંટણીમાં ભારે નવા જુની થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

જૂનાગઢની સાવજ દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપમા આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. આ ચૂંટણીને લઈને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં સાંસદે ખેરા દૂધ ઉત્પાદક મંડળીમાં અચાનક જ પોતાનુ નામ ઉમેરાવ્યુ અને રાજકીય દબાણ કરી નામ ઉમેરાયું હોવાનો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે. આ અંગે તેઓએ સ્પેશ્યલ ઓડીટર મીલ્ડ ઓડિટ રાજકોટને ફરિયાદ કરી છે. તેથી આગામી ૨૨ મેના રોજ યોજનાર સોરઠ દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો આમને-સામને આવી જતા પક્ષની અંદરમાં ભારે સખળ ડખળ થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. વધુમાં મતદાર યાદીને લઇ હજુ વિવાદ વકરે તેવી શક્યતાઓ છે અને સાંસદ જૂથ દ્વારા ડેરી પર કબજો મેળવવાનો ખોટો પ્રયાસ થતો હોવાનો તેમજ દૂધ સંઘના ચૂંટણી અધિકારી રાજકીય ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે અને સરકારમાંથી દબાણ ઊભું કરી પૂર્વ પ્રમુખને પાડી દેવાનો કારસો રચાયો છે.