વિસાવદરના જાંબુડી ગામના સરપંચ અને તેના પુત્ર પર હુમલો

લગ્નના વરઘોડામાં બાઈક દૂર ખસેડવા મામલે થઈ બબાલ, સુખપુરના સરપંચ, પૂર્વ સરપંચ, તબીબ સહિત ૪ સામે ફરિયાદ

જૂનાગઢ : વિસાવદરના સુખપુર ગામે લગ્નના વરઘોડામાં બાઈક દૂર ખસેડવા મામલે બબાલ થતા વિસાવદરના જાંબુડી ગામના સરપંચ અને તેના પુત્ર પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે.સુખપુરના સરપંચ, પૂર્વ સરપંચ, તબીબ સહિત ૪ વ્યક્તિઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આથી વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર
વિસાવદરના જાંબુડી ગામના સરપંચ લાલજીભાઇ કોરડીયાના પુત્ર જયભાઇ લાલજીભાઇ કોરડીયા (ઉ.વ.૧૬)એ આરોપીઓ રમેશભાઇ ગાંડુભાઇ વડાલીયા, ભગવાનભાઇ નારણભાઇ વડાલીયા, ભીખુભાઇ તેજાભાઇ વડાલીયા, પિયુષભાઇ ગગજીભાઇ વડાલીયા (રહે.બધા સુખપુર તા.વીસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે,ફરીયાદી તથા તેમના બાપુજીને બાઈક સાઇડમા રાખવા બાબતે તેમજ ફરીયાદીના બાપુજીને આરોપીઓ સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદી તથા તેના બાપુજીને જેમફાવે તેમ ગાળો બોલી હાથ તથા પગ વડે ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝપાઝપી દરમ્યાન ફરીયાદીએ પહેરેલ રુદ્રાક્ષની સોનાથી મઢેલી માળા પડી ગઈ હતી. જો કે, લગ્નના વરઘોડામાં બાઈક દૂર ખસેડવા મામલે બબાલ થઈ હતી. આથી આરોપીઓમાં સુખપુરના સરપંચ, પૂર્વ સરપંચ, તબીબ સહિત ૪ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.