લાપતા બનેલા મહા મંડલેશ્વર હરિહરાનંદબાપુ નાસિક હોવાનું બહાર આવ્યું

આશ્રમના જ સેવક ગણ દ્વારા હરિહરાનંદ બાપુને મહારાષ્ટ્રના નાસીકથી શોધી કઢાયા

જૂનાગઢ : ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ વડોદરા નજીકથી લાપતા બન્યા બાદ અલગ-અલગ પોલીસ ટિમો દ્વારા હરિહરાનંદ બાપુની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે હરિહરાનંદ બાપુ નાસિક ખાતે સહીસલામત હોવાનું આશ્રમના સેવક દ્વારા જાહેર કરતા બાપુના વિશાળ ભક્તગણે હાશકારો અનુભવ્યો છે.

અમદાવાદના સરખેજ આશ્રમના વિવાદના લીધે ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ ચાલ્યા ગયા હતા. અને તેમને શોધી આપનારને ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેમના આશ્રમના જ કોઈ વ્યક્તિ દ્વારા ભારતીબાપુને નાસિકથી સહી સલામત શોધી કાઢ્યા હોવાની માહિતી મળી રહી છે.

આ કેસમાં મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની વિગતો બાદ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભારતીબાપુનો એક વિડીયો પણ સામે આવ્યો હતો કે જેમાં તેઓ એકલા રસ્તા પરથી ચાલતા જતા દેખાયા હતા. જોકે, તેમની પાસે ફોન કે કોઈ વ્યક્તિના સંપર્કમાં ના હોવાથી પોલીસ માટે તેમને શોધવા મુશ્કેલ બન્યા હતા. આમ છતાં તેમને શોધી કાઢવા માટે વિવિધ ટીમ બનાવીને તપાસ કરાઈ હતી. આ દરમિયાન આશ્રમની જ વ્યક્તિને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાસિકમાંથી તેમની ભાળ મળી ગઈ હોવાનું જાહેર કરતા વિશાળ ભક્તગણે હાશકારો અનુભવ્યો છે.