જૂનાગઢના ડેરવાણ ગામે દારૂડિયા પતિએ સરપંચ પત્નીને મારવા લીધા : ફરિયાદ

ગ્રામપંચાયતમાં વહીવટ કરવા માટે દારૂડિયા પતિએ ગામ ગજાવ્યું : નાનાભાઈને પણ મારવા લીધો

જૂનાગઢ : સામાન્ય રીતે ચૂંટણી જીતી ચૂંટાઈ આવતા મહિલા ઉમેદવારોનો વહીવટ તેમના પતિ જ ચલાવતા હોય છે ત્યારે જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામે આવા જ એક કિસ્સામાં મહિલા સરપંચના દારૂડિયા પતિએ ગ્રામપંચાયતનો વહીવટ કરવા માટે સરપંચ પત્નીને મારવા લેવાની સાથે ઉપ સરપંચ એવા નાના ભાઈને ગાળો ભાંડી બન્નેને જાનથી મારી નાખવા ધમકી આપતા જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ચકચારી બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ડેરવાણ ગામના સરપંચ કૈલાશબા સુરેશભાઇ ભાટી ઉ.45 દ્વારા તેમના પતિ સુરેશભાઇ લખમણભાઇ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ડેરવાણ ગામના સરપંચ તરીકે ચુટાયેલ છે અને તેઓના દિયર ધરમભાઇ ઉપસરપંચ તરીકે ચુંટાયેલ છે. પરંતુ તેમના પતિ સુરેશભાઇને દારૂ પીવાની ટેવ હોય અને સરપંચ તરીકેનો વહીવટ કરવો હોય જેથી કૈલાશબાને ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુ માર મારી છરી લઇ મારવા દોડ્યો હતો.

વધુમાં સરપંચ એવા કૈલાશબાને ખુદ પતિ જ મારવા દોડતા તેઓ તેમના છોકરાઓ સાથે તેઓના દિયર ધરમભાઇના ઘરે જતા રહેતા આરોપી સુરેશભાઈ ત્યા દોડી ગયો હતો અને કૈલાશબાના દિયરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા કૈલાશબાએ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં દારૂડિયા પતિદેવના કરતૂતો અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુરેશભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), જી.પી.એકટ ક. ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.