જૂનાગઢ જિલ્લામાં ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલ ભેગા કરતી ક્રાઇમબ્રાન્ચ

જૂનાગઢ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓને શાનમાં સમજી જવા પોલીસનો કડક સંદેશ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં દેશી-વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી થઇ રહી છે ત્યારે દારૂના ધંધાર્થીઓને શાનમાં સમજી જવા કડક સંદેશો આપી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસવડાના આદેશ અન્વયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લાના ત્રણ બુટલેગરોને પાસા વોરંટની બજવણી કરી અલગ-અલગ જેલમાં ધકેલી દેતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા ક્લેકટર રચિત રાજ તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતાં જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા કલેકટર જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાના નરેન્દ્રભાઇ ઉર્ફે નરેન મોહનભાઇ સોંદરવા,રહે. ખડીયા ગામ, હનુમાનપરા, હનીફભાઇ સાહેબખા જલવાણી, રહે. રાજીવનગર, ગોફેડ રોડ અને રવિભાઈ ગોવિંદભાઇ સોંદરવા, રહે, ધોરાજી, બહારપુરા, વણકર વાસ, કારખાના વિસ્તાર વાળાઓ વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતા.

પાસા વોરન્ટ ઇસ્યુ થતા ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા,પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાએ બાતમીને આધારે નરેન્દ્રભાઇ ઉર્ફે નરેન મોહનભાઇ સોંદરવાને તેના રહેણાંક મકાનેથી, હનીફભાઇ સાહેબખા જલવાણીને દાતાર રોડ, વિવેકાનંદના પુતળા પાસેથી તથા રવિભાઇ ગોવિંદભાઇ સોંદરવાને જામનગર જીલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામેથી પકડી પાડી હસ્તગત કરી અનુક્રમે સેન્ટ્રલ જેલ અમદાવાદ, સેન્ટ્રલ જેલ, વડોદરા તથા સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતા.