જૂનાગઢમાં અગન લુ વરસાવતા સૂર્ય નારાયણ, રોડ પરનો ડામર ઓગળ્યો

ધોમખતા તાપથી જનજીવન આકુળ વ્યાકુળ, બપોરે સ્વયંભૂ સંચારબંધી જેવી સ્થિતિ

જૂનાગઢ : ગરવા ગિરનારની તપોભૂમિ સૂર્ય નારાયણના તેજ પ્રકોપથી અગનભઠ્ઠીમાં ફેરવાય ગઈ હોય એમ જૂનાગઢ સતત આકાશમાંથી અગન લુ વરસતા જનજીવન આકુળ વ્યાકુળ થઈ ગયું છે. 40 ડીગ્રીથી વધુ તપમાનને કારણે ધોમખતો તાપ પડતો હોવાથી માર્ગો પરનો ડામર પણ ઓળગવા લાગ્યો છે. તેથી રસ્તા ઉપર વાહનો ચોંટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું હોય તેમ હમણાથી સતત આકરો તાપ પડી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં આકરો તાપ પડતા શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. લોકો કામ સિવાય બપોરે બહાર નીકળવાનું ટાળતા હોવાથી બપોરે સ્વયંભૂ સંચારબંધી જેવી સ્થિતિ સર્જાઈ છે. આકાશમાંથી જાણે આગ વરસતી હોય તેમ શહેરના મુખ્યમાર્ગ પરના ડામર ઓગળ્યા છે. આથી રાહદારી તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. શહેરમાં પ્રથમ વખત ગરમીનો પારો સતત ઊંચો જઈ રહયો છે. તેથી શહેરીજનો આકરા તાપથી અકળાયા છે અને શહેરના મુખ્યમાર્ગો સુમસામ બની ગયા છે.