જૂનાગઢની વેટરનરી કોલેજમાં દર વર્ષે ૧૦ હજારથી વધુ પશુઓની ઓપીડી સારવાર

પશુ ચિકિત્સા શિબિર સાથે જૂનાગઢ સ્થિત વેટરનરી કોલેજમાં “વિશ્વ પશુ ચિકિત્સા” દિવસની ઉજવણી કરાઈ

૧૫ કરોડના અધતન સાધનો અને ૬ ઓપરેશન થીયેટરથી સજ્જ જૂનાગઢ વેટરનરી કોલેજ

જૂનરગઢ : ભાણવડના કાટકોલા, પોરબંદરના ખીરસરા, કે જામજોધપૂરના વેરાડ ગામેથી રીફર થયેલા પશુઓના ઓપરેશન જૂનાગઢ સ્થિત વેટરનરી સારવાર અને એનીમલ હસબંડરી કોલેજમાં કરવામાં આવે છે.
૧૫ કરોડના અધતન સાધનો અને ૬ ઓપરેશન થીયેટર અને ૪૦ હજાર ચોરસ મીટરમાં પથરાયેલી કૃષિ કેમ્પસ જૂનાગઢ સ્થિત પશુ સારવાર અને વેટરનરી કોલેજમાં દરવર્ષે ૧૦ હજારથી વધુ પશુને ઓપીડી સારવાર આપવામાં આવે છે. અને અહિના નિષ્ણાંત પશુ ચિકિત્સકો દ્વારા દર વર્ષે ૧ હજારથી વધુ પશુઓના નાના-મોટા ઓપરેશન કરવામાં આવે છે.

તા.૨૯ એપ્રિલ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની અહિં પશુ ચિકિત્સા શિબિરના માધ્યમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૧૦ જેટલા પશુને સારવાર આપવા સાથે રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વેટરનરી કોલેજમાં પ્રિન્સીપાલ અને ડીન ડો.પી.એચ.ટાંક, ભાણવડ મહાજન પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઇ સંઘવી, નાયબ પશુપલન નિયામક ડો. પાનેરા, નાયબ માહિતી નિયામક અર્જુન પરમારે પ્રસંગીર ઉદબોધન કર્યુ હતું.

મેડિસીન, પેટના રોગો,ગાયનેક, આંખ વિભાગ, ઓર્થોપેડીક, સર્જરી વિભાગ સહિત કુલ ૧૭ વિભાગ વેટરનરી કોલેજમાં કાર્યરત છે. એક ટનથી વધુ વજન ધરાવતા પશુઓના પણ અહિં ઓપરેશન કરવામાં આવે છે. તેમ આ તકે જણાવી ડીન ડો. ટાંકે કહ્યુ કે, વેટરનરી હોસ્પીટલની ખાસ ડીઝાઇન બનાવવામાં આવી છે. અહિં બકરા, કુતરા જેવા નાના પ્રણીઓ સાથે ગાય,ભેસ, બળદ, ઘોડા અને ઊંટના ઓપરેશન માટે પણ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. ખાસ એક્સરે મશીન તેમજ વિશેષ પ્રકારના ઓપરેશન થીયેટર તેમજ અત્યાધુનિક લેબોરેટરીની સુવિધા છે. જેમાં વર્ષે ૪૪૮૬ પશુઓની બ્લડ, યુરીન, છાણ સહિતની તપાસ કરી યોગ્ય સારવાર આપવામાં આવી હોવાનું પશુ સારવાર સંકુલના વડા ડો. ભટેૃ જણાવ્યુ હતુ.

વિશ્વ ચિકિત્સા દિવસની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ખાસ માનવતાની દિવાલનો પણ પ્રારંભ કરાયો છે. જેમાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા કપડા,બુટચંપલ સહિતની વસ્તુઓ જરૂરીયાતવાળા લોકોને ઉપયોગી થશે. આ પ્રસંગે યોજાયેલ સમારોહના પ્રારંભે વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના ચેરમેન ડો. આર.જે.પાડોદરાએ સ્વાગત પ્રવચન, ડો. આર.જે રાવલે આભારવિધી અને ડો.બારડે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આ પ્રસંગે પશુ કલ્યાણ પ્રવૃતિ સાથે સંકળાયેલ ડો. અસમુખ ભટૃ, ડો. ગજેરા, ડો.ભાલાણી, ડો.શીંગાળા, અચુભાઇ બગીવાળા પશુ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉમંગભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિધાર્થીઓ અને પશુપાલકો માટે ઉપયોગી વિવિધ પુસ્તીકાઓનુ પણ વિમોચન કરાયુ હતુ. તેમજ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિમાં શ્રેષ્ઠ પરીણામ હાંસલ કરનાર વિધાર્થીઓને શીલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.