માતાજીના માંડવાના આયોજન મામલે બે પરિવારો વચ્ચે મારામારી, પથ્થરમારો

બીલખાના રાવતપરા વિસ્તારમાં બન્ને પરિવારોએ એકબીજા ઉપર હીંચકારો હુમલો કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : બીલખાના રાવતપરા વિસ્તારમાં માતાજીના માંડવાના આયોજન મામલે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી અને સામસામો પથ્થરમારો થયો હતો. જેમાં બન્ને પક્ષના વ્યક્તિઓ ઘાયલ થયા બાદ બન્ને પરિવારોએ એકબીજા ઉપર હીંચકારો હુમલો કર્યા બાદ સામસામી ફરિયાદ નોંધાવી છે.

બીલખા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રવિણભાઇ પરબતભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦, રહે.બીલખા રાવતપરા દાનેવનગર શેરી નં.૪ તા.જી.જુનાગઢ)એ આરોપીઓ રમેશ ભનુભાઇ મકવાણા, અમીત રમેશ મકવાણા, અશ્વીન રમેશ મકવાણા, રંજનબેન રમેશભાઇ મકવાણા, સોનલબેન અમીતભાઇ મકવાણા, ટીશાબેન રમેશભાઇ મકવાણા (રહે.બધા બીલખા દાનેવનગર તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ મોમાઇ માતાજીના મઢમા માંડવો રાખેલ હોય અને ફરીયાદીની જ્ઞાતીના બીલખાના રહીશ રમેશ ભનુ મકવાણા તથા તેનો દિકરો અમીત રમેશ મકવાણા તથા અશ્વિન રમેશ મકવાણા તથા તેની દિકરી રંજનબેન રમેશભાઇ મકવાણા તથા પુત્રવધુ સોનલબેન અમીત મકવાણા તથા દિકરી ટીશાબેન એમ છએયને આ માતાજીના માંડવો કરવા ન દેવો હોય જેથી ગઈકાલે બપોરના બારેક વાગ્યાની આસપાસ સાહેદોને છુટા પથ્થરોના ઘા કરી શરીરે નાની મોટી ઇજાઓ કરી હતી.

સામાપક્ષે ફરિયાદી અમીતભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૩૩, રહે.બીલખા રાવતપરા અનકભાઇ ભોજકના મકાન સામે તા.જી.જુનાગઢ)એ આરોપીઓ સામતભાઇ જીણાભાઇ મકવાણા, અરજણભાઇ જીણાભાઇ મકવાણા, દેવાભાઇ જીણાભાઇ મકવાણા, નારણભાઇ જીણાભાઇ મકવાણા, પ્રતાપભાઇ બાવકુભાઇ મકવાણા (રહે.બધા બીલખા રાવતપરા તા.જી.જુનાગઢ)ની સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીને ચારેક વર્ષ પહેલા ઝઘડો થયેલ જે કેસ પાછો ખેચી લેવા બાબતેનુ મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદને ધારીયાની બુધરાટનો એક ઘા ફરીયાદીને માથાના પાછળના ભાગે તથા સાહેદને ધારીયાની બુધરાટનો એ ઘા વાસાના ભાગે મારી ઇજા કરી આરોપીઓએ છુટા પથ્થરના ઘા મારી ફરીયાદી તથા સાહેદને મુંઢ ઇજા કરી તથા આરોપીઓએ ફરી. તથા સાહેદ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.