રાજસ્થાનથી વાયા સુરત થઈ જૂનાગઢમાં ડ્રગ્સ મંગાવી વેચતો ભેસાણનો શખ્સ ઝડપાયો

જૂનાગઢના ડ્રગ્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીની ધરપકડ

જૂનાગઢ : જૂનાગઢ એસ.ઓ.જી.એ ડ્રગ્સ કેસ મામલે ગઈકાલે બે આરોપીઓને રાજસ્થાનથી દબોચી લીધા બાદ ભેસાણના યુવકની પણ સંડોવણી ખુલી છે. જેમાં રાજસ્થાનથી વાયા સુરત થઈ જૂનાગઢમાં ડ્રગ્સ મંગાવી વેચતો હોવાનું ખુલતા આ ભેસાણના શખ્સને ઝડપી લીધો છે. આમ જૂનાગઢના ડ્રગ્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ છે.

થોડા દિવસ પહેલા જૂનાગઢ શહેરમાંથી લાખોની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે હરેશ વદર નામના શખ્સની જુનાગઢ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ડ્રગ્સ જથ્થા મામલે પોલીસે સૌપ્રથમ હરેશ વદર ની ધરપકડ કરીને વધુ તપાસ કરતા તેમાં રાજસ્થાનના સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ નામના શખ્સની ધરપકડ કરી હતી હાલમાં પોલીસે ડ્રગ્સ મામલે વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જેમાં પ્રહલાદ લબાના અને લલિત લબાના નામના બંને શખ્સોને રાજસ્થાનના પ્રતાપગઢના અખેપુર ગામેથી ઝડપી લઇને તેમની પાસેથી એક મોબાઇલ ફોન અને એક સ્વીફ્ટ ડિઝાયર કાર પણ પોલીસે કબજે કરી છે.

પોલીસે આ મામલાની વધુ તપાસ કરતા આ ડ્રગ્સ રેકેટમાં ભેસાણ નો પણ યુવક સંકળાયેલો હોવાથી પોલીસે ઉત્તમ કોટડીયા ની ધરપકડ કરી છે..ઉત્તમ કોટડીયા નામનો શખ્સ રાજસ્થાન અને સુરતથી ડ્રગ્સ મામલાના મુખ્ય આરોપી અજય પાસેથી ડાયરેક્ટ જથ્થો મંગાવીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે .. છેલ્લા કેટલા સમયથી ઉત્તમ ડ્રગનો વેપલો કરતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

૨૩૩. ૭૮ ગ્રામ ના જથ્થા સાથે ઝડપાયેલા હરેશ વદર ના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને જેલ હવાલે કર્યો છે ત્યારે જે વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે તે પોલીસ રિમાન્ડ પર છે… અત્યાર સુધીમાં ડ્રગ્સ મામલાના કુલ પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને હજુ પણ વધુ લોકોની સંડોવણી ખુલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.