કેશોદમાં બે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ

બે શખ્સો સામે દુષ્કર્મ અને અન્ય બે શખ્સો સામે મદદગારીનો ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદના ગ્રામ્ય વિસ્તારની બે સગીરાને લગ્નની લાલચ આપી ચાર શખ્સો ભગાડી ગયા બાદ બે શખ્સોએ આ બન્ને સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે બે શખ્સો સામે દુષ્કર્મ અને અન્ય બે શખ્સો સામે મદદગારીનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આધેડે આરોપીઓ હરેશભાઇ હમીરભાઇ બાબરીયા, વિશાલભાઇ સુરેષભાઇ બાબરીયા, હસલો મહીયા દરબાર, હસલો મક્કા સામે ફરિયાદ નોંધાવી હતી કે, બે આરોપીઓએ ફરીયાદીની સગીરવયની દીકરી તથા સાહેદની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અન્ય બે આરોપીની મદદગારીથી ભગાડી લઇ જઇ એક આરોપી ફરિયાદીની પુત્રીને દીવમાં અડપલા કરી દુષ્કર્મ ગુજારી તથા બીજા આરોપીએ સાહેદની સગીર વયની દીકરીને અડપલા કરી દુષ્કર્મ આચરી અને ચારેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે આરોપીઓ સામે પોકસો એકટ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.