વંથલીના લુશાળા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો

વીજ ચેકિંગ કરતા સ્થાનિક ટોળા ઉશ્કેરાઈને હુમલો કરતા હાલ મામલો પોલીસ મથકે પહોંચ્યો

જૂનાગઢ : વંથલીના લુશાળા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વીજ ચેકિંગ ટુકડીએ ચેકિંગ શરૂ કરતાં સ્થાનિક ટોળા રોષે ભરાયા હતા અને ટોળાઓ વીજ ચેકિંગ ટુકડી ઉપર તૂટી પડ્યા હતા. આ હુમલામાં વીજ કર્મચારીઓ ઘવાયા હતા. આથી આ મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વંથલી તાલુકાના લુશાળા ગામેં આજે પીજીવીસીએલની વડી કચેરીના આદેશને પગલે જૂનાગઢ પીજીવીસીએલ ડિવિઝનની વીજ ચેકિંગ ટુકડી ત્રાટકી હતી. આ વીજ કર્મચારીઓએ ગામમાં પાવર ચોરી ચેક કરતા મામલો ગરમાયો હતો અને ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી વીજ ચેકિંગ કરવા ગયેલ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. જેમાં સ્થાનિક લોકોના ટોળાએ હુમલો કરતા વીજ કર્મચારીઓ ઘાયલ થયા હતા. વીજ ચેકીંગ દરમ્યાન ટોળાએ વીજ કર્મચારી પર કર્યો હુમલો કર્યા બાદ પીજીવીસીએલ. કર્મચારીઓ પોલીસ ફરિયાદ કરવા વંથલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ પીજીવીએસએલના કાર્યપાલક ઈજનેર એમ.ડી.ગણાત્રાએ જણાવ્યું હતું કે,વડી કચેરીની ચૂસના અનુસાર વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવાર ચોરી થતી હોવાથી આ વીજ ચોરીને અટકવી દેવા માટે આજે વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વંથલી તાલુકાના લુશાળા ગામે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન કેટલાક લોકોને ટોળા ઉશ્કેરાયા હતા અને વીજ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે અમુકના નામજોગ અને ટોળા સામે વીજ કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.