જૂનાગઢના લીમડા ચોકમાં પાઇપલાઇન તુટતાં જળબંબાકાર

લીમડા ચોકથી પાણી આઝાદ ચોક સુધી પહોચ્યું, પાણીની સમસ્યા વચ્ચે જ તંત્રની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ

જૂનાગઢ : જૂનાગઢમાં એકતરફ અમુક વિસ્તારમાં ભર ઉનાળે પાણીનો કકળાટ મચ્યો છે. ત્યારે પાણીનું જતન કરવાને બદલે મનપાના શાસકો નજર સામે જ પાણીનો બેફામ વેડફાટ થતો અટકાવી ન શકતા ભારે રોષ વ્યાપી ગયો છે. જેમાં જૂનાગઢના લીમડા ચોકમાં પાઇપલાઇન તુટતાં જળબંબાકાર થયો છે અને લીમડા ચોકથી પાણી આઝાદ ચોક સુધી પહોચ્યું છે.

જૂનાગઢ શહેરમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જેમાં શહેરના હાર્દ સમા વિસ્તાર ગણાતા લીમડા ચોકમાં પાઇપલાઇન લાઈન તુટતાં પાણીની રેલમછેલમ થઈ છે. જો કે, થોડા સમય પહેલા લીમડા ચોકમાં રસ્તા વચ્ચે ભૂવો પડેલ હોય જે મનપા દ્વારા માટી નાખી બુરી દેવામાં આવ્યો હતો. જેમાં આજે ફરી પાણીની પાઇપ લાઈન તૂટી જતા રસ્તા પર પાણી નદીના વહેણની જેમ ફરી વળ્યા છે અને લીમડા ચોક થી પાણી આઝાદ ચોક સુધી પહોચ્યું છે. આથી બેફામ પાણીનો બગાડ થાય છે.

જાગૃત નાગરિક અશ્વિનભાઈ મણિયારએ જણાવ્યું હતું કે,શહેરના હાર્દ સમા વિસ્તાર ગણાતા લીમડા ચોકમાં દસ બાર મહિના અગાઉ એક મોટો ખાડો પડ્યો હતો અને નીચે ભોંયરૂ પણ દેખાતું હતું.આ બાબતની મનપાને જાણ કરી હતી. જો કે આ જગ્યાએ પાણી લાઈન તૂટી છે. ત્યારે ખરેખર નીચે ભોંયરૂ છે કે પછી ગટર એની તપાસ કરવા માટે મનપા પુરાતત્વ ખાતાને જાણ કરે તે જરૂરી છે.