જૂનાગઢ મનપાની વોટર વર્કસ ઓફીસ પાસે મંજીરાં વગાડી વિરોધ કરતા નગરસેવક

પોતાના વોર્ડમાં પાણીની સમસ્યાને લઈ ભાજપના નગરસેવકનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ

જૂનાગઢ : ભાજપ શાસિત જૂનાગઢ મનપામાં ભાજપના જ નગરસેવકે હાલ કાળઝલ ગરમી વચ્ચે પોતાના વિસ્તારમાં પાણીની કારમી તંગીને લઈને નવતર વિરોધ કર્યો હતો. જેમાં તેમણે જૂનાગઢ મનપાની વોટર વર્કસ ઓફીસ પાસે મંજીરાં વગાડી વિરોધ કર્યો હતો. તેમજ તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે મનપાના અધિકારીઓ યોગ્ય ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢ મનપા કચેરીમાં ભાજપના વોર્ડ નબર 10ના નગરસેવક હિતેન્દ્રભાઈ ઉદાણીએ આજે અનોખો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે મનપામા વોટર વર્કસ ઓફીસ પાસે મંજીરાં વગાડી વિરોધ કર્યો હતો. પોતાના વોર્ડમાં પાણીની સમસ્યાને લઈ મનપા કચેરીમાં ભાજપ ની સત્તા સામે ભાજપના નગરસેવકે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવી મનપામાં અધિકારીઓ જવાબ નહી આપતા હોવાના આક્ષેપ કર્યો હતો.

નગરસેવક હિતેન્દ્રભાઈ ઉદાણીએ મનપાના વોટર વર્ક્સ અધિકારીઓ ઉપર નિશાન તાકતા બળાપો ઠાલવ્યો હતો કે, હાલ ધોમધખતા તાપમાં તેમના વોર્ડ નંબર 10ના વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે. આ વોર્ડના ઘણા વિસ્તારમાં પાણી આવે છે પણ.પૂરતું પહોંચતુ નથી. જ્યારે બોરની વ્યવસ્થામાં મશીનો ઉભા કર્યા પણ તંત્રની અણઆવડતથી તેમના વિસ્તારોમાં પાણી પૂરું પહોંચતુ નથી.આ પાણીની સમસ્યાને લઈને તંત્રની આંખ ઉઘડવા માટે આ નવતર વિરોધ કર્યો હતો.

સામાપક્ષે જૂનાગઢ મહાનગરપાલિકા વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ ઉનાળામાં શહેરના દરેક વિસ્તારમાં પાણી નિયમિત રીતે તો ક્યાંક એકાતરા વિતરણ કરવામાં આવે છે. પણ લોકોની પાણીની માંગ વધી છે. આથી સંપ અને પાણીની લાઈનમાં ફોલ્ટ થાય છે. તેથી રિપેરીગ માટે અમુક સમય સુધી પાણીની સમસ્યા થાય પણ પાણી સાવ નથી આવતું એવું નથી, વિતરણ નિયમિત કરવાથી આવે જ છે. ફોલ્ટને કારણે દુવિધા ઉભી થાય છે અને ફોલ્ટ રીપેર કરીને તુરત જ પાણી સમસ્યા દૂર કરાતી હોવાનો દાવો કર્યો છે.