વૃદ્ધાના નામના બોગસ ડોક્યુમેન્ટના આધારે દસ્તાવેજ બનાવી જમીન વેચી નાખી

વંથલીની સબ રજીસ્ટ્રાર ઓફીસ ખાતે બનેલા બનાવમાં જમીન માફિયાઓએ બોગસ ડોક્યુમેન્ટમાં વૃદ્ધા સહી કરતા હોવા છતાં અંગૂઠો મારતા ભોપાળુ છતું થયું

જૂનાગઢ : વંથલીની સબ રજીસ્ટ્રાર ઓફીસ ખાતે જમીન માફિયાઓએ વૃદ્ધાની જમીન હડપ કરવા માટે આ વૃદ્ધાના નામના બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને તેના આધારે તેમની જમીનનો દસ્તાવેજ બનાવીને બરોબાર આ જમીન કોઈને વેચી દીધી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં બનાવમાં જમીન માફિયાઓએ બોગસ ડોક્યુમેન્ટમાં વૃદ્ધા સહી કરતા હોવા છતાં અંગૂઠો મારતા ભોપાળુ છતું થયું છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દુધીબેન પોપટભાઈ ટીલવા (ઉ.વ.૮૫ રહે.વંથલી, કોટવાલ વાડી રોડ, મદ્રેસા સામેની શેરી તા.વંથલી)એ આરોપીઓ દસ્તાવેજમાં લગાવેલ ફોટામાં તથા આધારકાર્ડમાં લગાવેલ ફોટામાં દેખાતી દસ્તાવેજ કરી આપનાર અજાણી મહીલ તથા દિપ કિશોરભાઈ કલોલા (રહે.વંથલી, કોર્ટ રોડ) અને સિડા અનવરભાઈ મહમદભાઈ (રહે.ટીનમસ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨/૦૨/ર૨ના રોજ આરોપીઓએ ગુનાહિત કાવતરૂ કરી બીજા આરોપીએ સ્ટેમ્પ ખરીદ કરી ફરીયાદીના નામનુ ખોટુ આધારકાર્ડ બનાવી વેચનાર તરીકે ફરીયાદીના નામનો સર્વે નં.૯૫ પૈકી ર આશરે ર૭ વિઘામાંથી ૦-૪૮-૦૦ ખેતીની જમીનનો દસ્તાવેજ બનાવી તેમાં એક આરોપીનો ફોટો લગાવી ફરીયાદી સહી કરતા હોવા છતા આરોપી મહિલાએ અંગુઠો કરી ખોટો દસ્તાવેજ બનાવી એક આરોપી પોતે જમીન માલીક છે તેમ જણાવી સબ રજીસ્ટ્રાર કચેરી વંથલી ખાતે આરોપીઓ વેચનારને ઓળખે છે તેવી સાક્ષી તરીકેની સહીઓ આપી ખોટી ઓળખ અપાવી બનાવટી દસ્તાવેજ સાચા તરીકે રજુ કરી ખેતીની જમીન બીજાને વેચી દીધી હતી.