માણાવદરમાં જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી, કારમાં તોડફોડ

બન્ને પરિવારોએ એકબીજા ઉપર પાઇપ-ધોકાથી હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માણાવદરમાં જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પક્ષે કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ મામલે બન્ને પરિવારોએ એકબીજા ઉપર પાઇપ-ધોકાથી હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વનરાજભાઇ મહેશભાઇ જલુ (ઉ.વ.૨૯ રહે.જાંબુડા તા.માણાવદર)એ આરોપીઓ પ્રફુલ્લભાઇ કરશનભાઇ જલુ, હીરેનભાઇ કરશનભાઇ જલુ, રાજભાઇ રમેશભાઇ જલુ, કરશનભાઇ રામસુરભાઇ જલુ, રમેશભાઇ રામસુરભાઇ જલુ (રહે.બધા માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીના કૌટુંબીક ભાઇ જગમાલભાઇ જલુ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીની દુકાને ફોરવ્હીલ ગાડીમાં જઇ દુકાનમાં દુકાનની બરણીઓ તોડી નુકશાની કરી સાહેદો ફોરવ્હીલ સ્વીફ્ટ કાર નં.જી.જે.-૦૧-કે.પી.-૨૬૬૭ માં બેસી ફરીયાદી ની દુકાન તરફ જતા હતા. ત્યારે આરોપીઓએ પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદીની ફોરવ્હીલ કારના આગળના કાચમાં લોખંડનો પાઇપ મારી આરોપીઓએ ફરીયાદીની ગાડીમાં તોડફોડ કરી નુકશાની કરી ફરીયાદીના માથામાં કુહાડીનો ઘા મારી તેમજ લાકડી વડે જમણા હાથના કાંડામાં મારી આરોપીઓએ સાહેદોને તેઓની પાસેના હથીયારથી આડેધડ માર માર્યો હતો.

સામાપક્ષે ફરિયાદી પ્રફુલ્લભાઇ કરશનભાઇ જલુ (ઉ.વ.૨૭ રહે.શીતળા માતા મંદીર પાસે માણાવદર)એ આરોપીઓ વનરાજભાઇ જલુ, રમેશભાઇ બરાડીયા, જનકભાઇ ડાંગર (રહે.ત્રણેય જાંબુડા તા.માણાવદર), જતીનભાઇ ડાંગર (રહે.કતકપરા તા.માણાવદર), નીલદીપ ચુડાસમા (રહે. માણાવદર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના કુટુંબી જગમાલભાઇ જલુ સાથે આરોપીને અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનુ મનદુખ રાખી આરોપીઓએ પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી એક સ્વીફ્ટ કારમાં આવી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદોને માથાના ભાગે તથા શરીરે આડેઘડ માર મારી તથા મુઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની સ્કોર્પીયો ગાડીના કાચ તોડી નુકશાન પહોચાડ્યું હતું.