વંથલી તાલુકા પંચાયતને શ્રેષ્ઠ તાલુકા પંચાયતનાં એવોર્ડ સાથે રૂા.૨૫ લાખનો પુરસ્કાર અર્પણ

નાગલપુર ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતના એવોર્ડ સાથે રૂ. ૫ લાખ પરુસ્કાર

જૂનાગઢ : વંથલી તાલુકા પંચાયતને શ્રેષ્ઠ તાલુકા પંચાયતના એવોર્ડને સાથે રૂા.૨૫ લાખનો પુરસ્કાર ગ્રામ વિકાસ અને પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સેંદરડા ખાતે અર્પણ કર્યો હતો. ઉપરાંત મેંદરડા તાલુકાની નાગલપુર ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનાં એવોર્ડની સાથે રૂા.પાંચ લાખનો પુરસ્કાર રાજ્યનાં પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઇ માલમનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય શ્રેષ્ઠ તાલુકા અને ગ્રામ પંચાયત માટે એવોર્ડ આપવામાં આવે છે. પ્રજાલક્ષી કામગીરી, સામાજિક સેવામાં સુધારો કરવા, સરકારી યોજનાઓનું ઝડપી અને સમયમર્યામાં અમલીકરણ તેમજ ઓડીટ સહિતનાં માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા અને ગ્રામ પંચાયતને ભારત સરકાર દ્રવારા આ એવોર્ડ આપવામાં આવે છે.

વંથલી તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મૈતર અને નાગલપુરનાં સરપંચને ભનજીભાઇ ચોવટીયાને આ એવોર્ડ મંત્રીનાં હસ્તે સેંદરડા ખાતે પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં અર્પણ કરાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.