ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિષયોની આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર જાહેર

વિદ્યાર્થીઓ તા. 28 સુધીમાં આન્સર-કી અંગે ઇમેઇલમાં અરજી કરી શકશે

જૂનાગઢ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિષયોની આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આન્સર-કી અંગે કોઇ રજૂઆત હોય તો તા. 28 સુધીમાં વિદ્યાર્થીઓ ઇમેઇલમાં અરજી કરી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2022માં લેવાયેલ ઉ.મા.પ્ર. પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ http://www.gseb.org પર મુકવામાં આવેલ છે. આન્સર-કી અંગે કોઇ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમુનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત Email ID: [email protected] મારફતે તા. 28ના રોજ સાંજે 6 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.

સમયમર્યાદા બાદ કરેલ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી. રજૂઆત ફક્ત E-Mail મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત થયેલ ફી રૂ. 500 ચલણથી “SBI BANK” માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો આ સાથે બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નિયત ફી ભરેલ ચલણની નકલ પણ E-Mail મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ભરેલ ફીના ચલણ સિવાય મોકલેલ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

વધુમાં, જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી કરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.