વિસાવદરમાં ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશનનો શુભારંભ

ખેડૂતોને ખેતી વાડી, વાયદા બજાર જેવા વિષયો પર તાલીમ અપાઇ

જૂનાગઢ : વિસાવદર ખાતે તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન (FPO)નાં શુભારંભ અતર્ગત ખેડૂત સભાસદોની મીટીંગ યોજાઈ હતી. નાના અને સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે. જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે.

ખેડૂત મિત્રોને આ પરિસ્થિતિમાંથી ઉગારી લેવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક જાતનું સંગઠન ઉભું કરવામાં આવે છે. જેને ખેડૂત ઉત્પાદન સંગઠન(Farmer Product Organisation–એફ.પી.ઓ) કહે છે. આ શુભારંભમાં ઉપસ્થિત, ડો.જી.આર.ગોહિલએ જણાવ્યું કે, એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, તેમના ઉત્પાદનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવા જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. દિલીપ વાણીયા એગ્રી બિજનેસ સર્વિસીઝ ઇફકો, અનુપમ ચતુર્વેદી એનસીડીસી હેડ, ગુજરાત, શ્રી અજય ઠાકુર જિલ્લા સંઘ, જે.કે.ઠેસિયા ચેરમેન સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ,જૂનાગઢ, નાગજીભાઈ ભાયાણી ચેરમેન વિસાવદર તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ધનજીભાઈ કાતરીયા ઇફકો કિસાન સંસાર લી., અશોકભાઈ સહિતનાએ વિષય અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું.

ભારત સરકારના કૃષિ મંત્રાલયનો આગામી સમયમાં ૧૦૦૦૦ એફપીઓ બનાવવાનો લક્ષયાંક છે. તેમાંથી ગુજરાતમાં શરૂઆતના ધોરણે ઇફકો કિસાન સંચાર લિમિટેડને આવા ૨૫ એફપીઓની કામગીરી આપેલી છે. તેમાંથી જૂનાગઢમાં ૭ એફપીઓ પૈકી વિસાવદર તાલુકા લેવલનો એફપીઓની નોંધણી સાથે ૩૦૦ ઉપર સભાસદ જોડાયેલ છે. બનેલ સભાસદને ખરેખર યોજના શું છે. આગામી સમયમાં કેવી કેવી કામગીરી થઇ શકે અને સાથે ખેતી વાડી, વાયદા બજાર જેવા વિષય પર સહ વિશેષ માહિતી મળે તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.