વિસાવદરના સુખપુરમાંથી નકલી ચુનાની ફેકટરી ઝડપાઇ

બાબુ પાર્સલ ચુનાની કંપનીના અધિકારીએ ફરિયાદ કરતા ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમ ત્રાટકી, નકલી ચુનાની ફેકટરીના સંચાલક સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુન્હો દાખલ

જૂનાગઢ : વિસાવદરના સુખપુર ગામે માવા-પાનમાં વપરાતા બાબુ ચુનાની નકલી ફેકટરી ધમધમતી હોવાની અસલી બાબુ પાર્સલ ચુનાની કંપનીના અધિકારીએ ફરિયાદ કરતા ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમ ત્રાટકી હતી અને વિસાવદરના સુખપુરમાંથી નકલી ચુનાની ફેકટરીને પકડી પાડી હતી. તેમજ નકલી ચુનાની ફેકટરીના સંચાલક સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

વિસાવદરના સુખપુર ગામે નકલી બાબુ પાર્સલ ચુનાનું વેચાણ કરતી ફેકટરી ધમધોકાર ચાલતી હોવાની અસલી બાબુ પાર્સલ ચુનાની કંપનીના અધિકારીએ ફરિયાદ કરતા ગઈકાલે સીઆઈડી ક્રાઈમની ટીમે આ નકલી ચુનાની ફેકટરીમાં દરોડો પાડ્યો હતો અને નકલી બાબુ પાર્સલ ચુનાનું વેચાણ કરતા સંચાલકને 300 કિલોના નકલી બાબુ ચુનાના પાર્સલના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ બનાવ અંગે બાબુ ચુનાના પાર્સલ કંપનીના અધિકારી ભરતભાઇ લાખાભાઇ અણદાણીએ સુખપર ગામે નકલી ચુનાની ફેકટરી ચલાવતા સંચાલક મહેશભાઇ ઉર્ફે કાનભાઇ હરીભાઇ સોજીત્રા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ પાકા બાંઘકામ વાળા સેડમાં ગેરકાયદેસર રીતે બાબુ પાર્સલ ચુનાના પાઉચના આબેહુબ કલાકૃતિવાળા ડુપ્લીકેટ પેકીંગ પાઉચનો મુદામાલ જેની કુલ કિંમત રૂ. ૯૧,૮૦૦ ની ગણી ગેરકાયદેસર રીતે વેપાર કરી ગુનો કરતા મળી આવતા તેની સામે સ્થાનિક પોલીસે કોપીરાઇટ એકટના કાયદાની કલમો ભંગ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.