શ્રેષ્ઠ ગ્રામ પંચાયત નગીચાણા અને લોએજને ઘન કચરાના કલેક્શન માટે મીની ટ્રેક્ટર અપાયા

જૂનાગઢ : માંગરોળ તાલુકાની નગીચાણા અને લોએજ ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન માટે મીની ટ્રેક્ટર અપાયા છે. સ્વચ્છતા મીશન અંતર્ગત પ્રત્યેક રૂા.૪.૫૦ લાખની કિંમતના મીની ટ્રેક્ટર બન્ને ગ્રામ પંચાયતની શ્રેષ્ઠ કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે.

૩૨૦૦ માણસોની વસતી ધરાવતા નગીચાણાના સરપંચશ્રી મશરીભાઇ પીઠિયા અને ૪૫૦૦ માણસોની વસ્તી ધરાવતા લોએજના સરપંચશ્રી રવિ નંદાણિયાને પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ટ્રેક્ટરની ચાવી સેંદરડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવી હતી. નગીચાણાના સરપંચ મશરીભાઇ પીઠિયાએ તેમના પ્રતિભાવમાં કહ્યું કે, મીની ટ્રેક્ટર ગામની સ્વચ્છતા માટે ઉપયોગ સાથે અમારૂ ગામ સ્વચ્છ ગામ બનશે.

લોએજના સરપંચ રવિ નંદાણિયાએ પીઠિયાની વાતમાં સુર પુરાવી કહ્યું કે, મીની ટ્રેક્ટરની સવલતથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન શક્ય બનશે અને ગામડાને પણ શહેર જેવી સુવિધા મળશે. સેંદરડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મંત્રી દેવાભાઇ માલમ, ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઇ ખટારિયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રેક્ટરની ચાવી આપવા સાથે લીલી ઝંડી આપી ટ્રેક્ટરનું પ્રસ્થાન કરાવ્યું હતું.