ભારે કરી ! રેતી માફિયાઓએ સરપંચ કાકાનું અપહરણ કરી કેફીપીણુ પીવડાવી દીધું

વંથલીના બાલોટ ગામની નદીમાંથી સરપંચે રેતી ઉપાડવાની ના પાડી દેતા ચાર શખ્સો લાજવાને બદલે ગાજયા

જૂનાગઢ : વંથલીના બાલોટ ગામની નદીમાંથી સરપંચે રેતી ઉપાડવાની ના પાડી દેતા ચાર શખ્સો લાજવાને બદલે ગાજયા હતા અને રેતી માફિયાઓએ સરપંચ કાકાનું અપહરણ કરી કેફીપીણુ પીવડાવી દીધું હતું અને બાદમાં છોડી મુક્યા હતા. આ બનાવની સરપંચના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હરેશભાઈ ઉર્ફે હિરાભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ.૪૯, રહે.બાલોટ, પ્લોટ વિસ્તાર તા.વંથલી હાલ રહે.જુનાગઢ અશોકનગર-ર, મધુરમ)એ આરોપીઓ જયસુખ હમીર કોળી (રહે.નાંદરખી તા.વંથલી), ભુપત બાવન કટારા (રહે.ગીરનાર દરવાજા જુનાગઢ), નિતીન ખીમગીરી બાવાજી (રહે.જુનાગઢ), બાબુ મામદ હાલા ગામેતી (રહે.ઉમટવાડા તા.વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ ફરીયાદીની વાડીએ આવી સાહેદ બાલોટ ગામના સરપંચ દિલીપભાઈ મકવાણાને કહેલ કે, તમારા ગામની નદીમાંથી રેતી ભરવી છે, તો સરપંચે રેતી ભરવાની ના પાડતા આરોપીઓએ સરપંચના કાકા ફરીયાદીનુ આઈ-ટવેન્ટી કારમાં અપહરણ કરી લઈ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કોઈ વાડીએ લઈ જઈ કેફીપીણુ પીવડાવી બાદમાં છોડી દીધા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.