માંગનાથ વિસ્તારમાં રિક્ષાચાલક અને વેપારી વચ્ચે હાથોહાથની જામી પડી

દુકાન પાસે રીક્ષા રાખી દેતાં બબાલ થઈ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, વેપારીએ રીક્ષા ચાલક સામે પોલીસને અરજી કરી

જૂનાગઢ : જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં રિક્ષાચાલક અને દુકાનદાર વચ્ચે મારામારી થઈ હતી.જેમાં દુકાન પાસે રીક્ષા રાખી દેતાં બબાલ થઈ હતી અને દુકાનદારે રીક્ષા રાખવાની ના પાડતા મામલો બિચક્યો હતો. રિક્ષાચાલક અને દુકાનદાર વચ્ચે ફડાકાવાળી થયા બાદ આ મામલે દુકાનદારે રીક્ષા ચાલક વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં દુકાન ધરાવતા કૃષ્ણકુમાર નરસિંહ પરમાર નામના વેપારીએ પોલીસને અરજી કરીને જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે તેઓ તથા તેમનો પુત્ર સમીસ્સાઈ કૃષ્ણકુમાર પરમાર સારથી કોમ્પલેક્ષમા માંગનાથ રોડ ઉપર ખાવેલ તેમની એન.એમ.સિલેકશનમાં હાજર હતા. ત્યારે તેમની દુકાન સામે એક રીક્ષા રોડ ઉપર પાર્ક કરેલ હતી. આથી તેઓએ તે રીક્ષાના ચાલક અખતર નામના શખ્સને રીક્ષા રોડ ઉપરથી સાઈડમાં રાખવાનું કહ્યું હતું. તેથી અખતર એકદમ ઉશ્કેરાઈને કહેલ કે ગાડી સાઈડમાં નહિ લેવાઈ તેમ કહીને તેમને તથા તેમના પુત્રને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ તથા આ બન્ને વેપારી પિતા-પુત્રને જાપટ તથા ઢિકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ માર મારીને આ રીક્ષા ચાલકે કહેલ કે જો તમે ફરીયાદ કરશો તો તમને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ભાગી ગયો હતો.આથી વેપારીએ પોલીસને અરજી કરી આ રીક્ષા ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.