બંધ મકાનના તાળાં તોડી તસ્કરો રોકડ અને દાગીના ચોરી ગયા

જૂનાગઢના કર્મચારી નગર પાછળ આવેલ વનગંગા સોસાયટીમાં કુલ રૂ.૪૬૦૦૦ની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના કર્મચારી નગર પાછળ આવેલ વનગંગા સોસાયટીના એક બંધ મકાનના તાળાં તોડી તસ્કરો રોકડ અને દાગીના ચોરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં બંધ મકાનમાંથી કુલ રૂ.૪૬૦૦૦ની માલમત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરું દબાવવાની કવાયત હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સંજયભાઇ હરીભાઇ વીંઝુડા (ઉ.વ.૪૯ ધંધો નોકરી રહે જુનાગઢ વનગંગા-૦૨ કર્મચારી નગર પાછળ સાઇબાબા મંદીર સામે મધુરમ)એ કોઇ અજાણ્યો ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના જૂનાગઢના વનગંગા-૦૨ કર્મચારી નગર પાછળ સાઇબાબા
મંદીર સામે મધુરમ પાસે આવેલ બંધ મકાનને તસ્કરોએ ગત તા-૧૬ થી તા-૨૨ એપ્રિલ સુધીમાં નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ ફરીયાદીના રહેણાક બંધ મકાનની ડેલી તથા મેઇન દરવાજા તાડા તોડી ઘરમા રહેલ કબાટ માથી સોના ચાદીના દાગીના કી.રૂ.૧૩૦૦૦ તથા રોકડ રૂ.૩૩,૦૦૦ મળી કુલ રૂ.૪૬૦૦૦ નો માલસામાન ચોરી કરી લઇ ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.